વડાપ્રધાન મોદીએ ટિ્વટ કરી દુઃખ વ્યક્ત કર્યું…
બે મહિના પહેલા અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ગુજરાતે એક અઠવાડિયામાં બે સાંસદોને ગુમાવ્યા…
રાજકોટ : રાજ્યસભાના સાંસદ અને રાજકોટના ભાજપના નેતા અભય ભારદ્વાજનું કોરોના વાયરસની સારવાર દરમિયાન નિધન થયું છે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે. અભય ભારદ્વાજની ચેન્નાઇ સારવાર શરૂ હતી પરંતું મલ્ટીપલ સમસ્તેયાઓનાં કારણે તેમને રિકવરી આવી રહી નહોતી. છેલ્લા કેટલાય મહિનાથી તેઓ હૉસ્પિટલના બિછાને હતા. અહેમદ પટેલના નિધન બાદ અભય ભારદ્વાજનું નિધન થતા રાજ્યસભાના ગુજરાતના બે સાંસદોને કોરોના ભરખી ગયો છે.
વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વીટ કરીને લખ્યું કે અભય ભારદ્વાજ એક ઉચ્ચકોટીના વકીલ હતા જેમણે કાયમ સમાજની સેવા કરી હતી. એક બુદ્ધીજીવી અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ વ્યક્તિની ખોટથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રોને મારી શ્રદ્ધાંજલિ.
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર અંશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૫ દિવસ બાદ તેમની સ્થિતિ હજુ પણ ગંભીર હતી. તેથી વધુ સારવાર માટે અમદાવાદથી ડોક્ટોરોની ટીમને રાજકોટ સિવિલ મોકલવામાં આવી હતી.
પરંતુ તબીયતમાં કોઈ સુધારો ન હોવાને કારણે સુરતથી ચાર ડોક્ટરોની ટીમ મોડી રાત્રે વિશેષ વિમાન થકી રાજકોટ પહોચ્યા હતા. દરમિયાન તેમની તબિયતમાં સુધારો ન આવતા તેમને ચેન્નઇ દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર શરૂ હતી.
રાજ્યની ખાલી પડેલી બે સીટમાંથી ભાજપે એક ઉમેદવાર તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો અને જીત પણ મેળવી હતી. પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીજા શહેરમાં જન્મેલા અને એસએસસી ભારતમાં કરી અખબારથી લઈને ધારાશાસ્ત્રી બની અગ્નિકાલ ફિલ્મમાં કામ કરી ચૂકેલા અભય ભારદ્વાજ ૧૯૭૭થી જનતા પાર્ટીથી સક્રિય રીતે પ્રવેશી રાજકારણના રંગે રંગાયા હતા.
માત્ર ૧૭ વર્ષની વયે જનસતામાં જોડાયા અને ૧૮ વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતાં. ૨૧ વર્ષની વયે ગુજરાતની વ્યવસાય પત્રકારોની મંડળની કારોબારીમાં બિનહરીફ ચૂંટાયા હતાં. હરિયાણાના કુરૂક્ષેત્રમાં અખીલ ભારતીય લો ડિબેટમાં ૪૧ યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
રાજકોટ બાર એસો.માં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતાં. કાયદા પંચમાં તેમની નિમણૂંક વડાપ્રધાને કરી હતી. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂંક પસંદગી સમિતીના સભ્ય તરીકે પણ તેઓએ સેવા આપી હતી.