ન્યુ દિલ્હી : ઉત્તર પ્રદેશના અયોધ્યમાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદૂ પરિષદ તરફથી દાન પેટે ભેગા કરાયેલા ૨૨ કરોડ રૂપિયાના કુલ ૧૫૦૦૦ ચેક બાઉન્સ થયા છે. મંદિર નિર્માણ માટે કેન્દ્ર દ્રારા બનાવવામાં આવેલા ટ્ર્સ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના એક ઓડીટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દાન આપનારના ખાતામાં રકમ ઓછી હોવાને કારણે અથવા ટેકનિકલ કારણોસર ૨૨ કરોડ રૂપિયાના ચેક રિટર્ન થયા છે.
ટ્ર્સ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ કહ્યું હતું કે ટેકનિકલ પ્રોબ્લેમના સમાધાન માટે બેંક કામ કરી રહી છે અને જેમના ચેક રિટર્ન થયા છે એમને ફરી દાન માટે કહેવામાં આવી રહ્યું છે. રિટર્ન થયેલા કુલ ૧૫૦૦૦ ચેકમાંથી ૨૦૦૦ ચેક અયોધ્યામાંથી જ જમા થયેલા છે. અયોધ્યાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદૂ પરિષદ દ્રારા ૧૫ જાન્યુઆરીથી ૧૭ ફેબ્રુઆરી સુધીમાં દેશભરમાંથી દાન એકત્રિત કરવામાં આવ્યું હતું. લગભગ ૧ મહિનો સુધી ચાલેલા આ ફંડ અભિયાનમાં રૂપિયા ૩,૫૦૦ કરોડનું ફંડ ભેગું થયું છે. જો કે ટ્ર્સ્ટ દ્રારા એકત્રિત રકમનો અંતિમ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો માર્ગ મોકળો થયો હતો અને મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગયા મહિના સુધી લોકોએ દિલ ખોલીને રામ મંદિર માટે દાનની સરવાણી વહેતી કરી હતી. તાજેતરમાં એક મીડિયા રિપોર્ટમાં કહેવાયું હતું કે દર મહિને રામ મંદિર માટે રૂપિયા ૧ કરોડનું દાન આવી રહ્યું છે. ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે ટ્રસ્ટને અંદાજે ૩૫૦૦ કરોડ જેટલી રકમ દાન પેટે મળી છે.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ૧ હજાર કરોડ રૂપિયાની રકમ ભેગી થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેની સામે અત્યાર સુધીમાં જ ત્રણ ગણી રકમ ટ્ર્સ્ટને દાન પેટે મળી ચૂકી છે. તાજેતરના એક અહેવાલ મુજબ બીજી તરફ અયોધ્યમાં બનનારી મસ્જિદ માટે બનાવવામાં આવેલા ટ્ર્સ્ટને દાન પેટે માત્ર ૨૦ લાખની રકમ જ મળી છે.
આમ જોવા જઇએ તો રામ મંદિરના નિર્માણ માટ લક્ષ્યાંક કરતા વધારે ૩૫૦૦નું ફંડ ભેગું થયું છે, તેમાંથી ૨૨ કરોડની રકમના ૧૫૦૦૦ ચેક રિટર્ન થયા છે.એટલે ફંડની સરખામણી રિટર્ન થયેલા ચેકની રકમ ખાસ મોટી નથી. પરંતુ માત્ર દાન આપવા ખાતર ખોટા ચેક આપનારે આવું ન કરવું જોઇએ.