વર્ષો સુધી ઉપયોગ કર્યા બાદ સંઘને હવે ડહાપણની દાઢ ઉગી…
અમારુ લક્ષ્ય ભારતને વિશ્વગુરૂ બનાવવાનું,’રાષ્ટ્રવાદ’ શબ્દનો ઉપયોગ ન કરો તેની જગ્યાએ ’ રાષ્ટ્ર કે રાષ્ટ્રીય’ શબ્દ વાપરોઃ ભાગવતની શીખામણ
રાંચી : ભાજપની માતૃસંસ્થા આરએસએસના સુપ્રિમો મોહન ભાગવતે રાષ્ટ્ર પ્રત્યેની લાગણી કે સંવેદના દર્શાવવા માટે ભાજપ અને ખુદ આરએસએસ દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતા શબ્દ રાષ્ટ્રવાદ(નેશનાલિઝમ) પ્રત્યે હવે અણગમો દર્શાવીને એવો દાવો કર્યો છે કે “રાષ્ટ્રવાદ” શબ્દ બોલીએ છીએ તો તેનો અર્થ હિટલર,હિટલરની પાર્ટી નાઝીવાદ, ફાસીવાદ એવો થાય છે…! તેથી રાષ્ટ્રવાદ શબ્દનો ઉપયોગ કરવાથી દૂર રહેવુ જોઇએ. રાષ્ટ્રવાદ શબ્દના સ્થાને હવે રાષ્ટ્ર કે રાષ્ટ્રીય એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઇએ. નોંધનીય છે કે જર્મનીના તાનાશાહી હિટલરે લાખો યહુદીઓની કત્લેઆમ કરીને વિશ્વ આખામાં ધિક્કારની લાગણી જન્માવી હતી. તેમની પાર્ટી નાઝી યહુદીઓને જર્મનના દુશ્મન માનતી હતી. હિટલરની સાથે ફાસીસ્ટ-ફાસીવાદ શબ્દ પણ જોડાયેલો છે. અને કોંગ્રેસ દ્વારા ભાજપ અને સંઘની વિરૂધ્ધ પણ ઘણીવાર આ શબ્દનો ઉપયોગ થાય છે. આ નિવેદન અગાઉ તેમણે એમ કહીને વિવાદ જગાવ્યો હતો કે ભણેલા-ગણેલા પરિવારોમાં છૂટાછેડાના કિસ્સાઓ વધારે જોવા મળે છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં ભાગવતે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમ્યાન મોહન ભાગવતે કહ્યું કે આરએસએસનો વિસ્તાર દેશ માટે છે કારણ કે અમારું લક્ષ્ય ભારતને વિશ્વગુરૂ બનાવાનો છે.
સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે રાષ્ટ્રવાદ જેવા શબ્દનો ઉપયોગ કરવો જોઇએ નહીં. તેમનું કહેવું છે કે રાષ્ટ્રવાદ શબ્દની જગ્યાએ રાષ્ટ્ર કે રાષ્ટ્રીય શબ્દનો ઉપયોગ થવો જોઇએ કારણ કે તમાં નાજી અને હિટલરની ઝલક દેખાય છે. એવામાં રાષ્ટ્ર કે રાષ્ટ્રીય જેવા શબ્દોનો જ મુખ્યત્વે ઉપયોગ કરવો જોઇએ. તેમણે કહ્યુ્ં કે દુનિયાની સામે અત્યારે ISISI, કટ્ટરપંથ, અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દા મોટો પડકાર છે.
અહીં ભાગવતે કહ્યું કે વિકસિત દેશ શું કરે છે, તેઓ પોતાના વ્યાપારને દરેક દેશમાં ફેલાવા માંગે છે. તેના દ્વારા તેઓ પોતાની શરતોને મનાવા માંગે છે. દુનિયાની સામે જે મોટી સમસ્યાઓ છે, તેમાંથી માત્ર ભારત જ છૂટકારો અપાવી શકે છે એવામાં હિન્દુસ્તાનને દુનિયાનું નેતૃત્વ કરવાનું વિચારવું જોઇએ. દેશની એકતા જ અસલી તાકાત છે, તેનો આધાર અલગ હોઇ શકે છે પરંતુ હેતુ સમાન જ છે.
હિન્દુત્વના મુદ્દા પર સંઘ પ્રમુખ બોલ્યા કે હિન્દુ જ એક એવો શબ્દ છે જે ભારતને દુનિયાની સામે યોગ્ય રીતે રજૂ કરે છે. ભલે દેશમાં કેટલાંય ધર્મ હોય પરંતુ દરેક વ્યક્તિ એક શબ્દ સાથે જોડાય છે જે હિન્દુ છે. આ શબ્દ જ દેશના કલ્ચરને દુનિયાની સામે દર્શાવે છે. તેમણે કહ્યું કે સંઘ દેશમાં વિસ્તારની સાથો સાથ હિન્દુત્વના એજન્ડા પર આગળ વધતા રહેશે જે દેશને જોડવાનું કામ કરશે.
સંઘ પ્રમુખે કહ્યું કે આપણે બધાએ માનવતાની સાથે જીવતા શીખવું પડશે, તેના માટે દેશથી પ્રેમ કરવો જરૂરી છે. સંઘમાં અમે અમારા કાર્યકર્તાઓને આ અંગે જ જ્ઞાન આપીએ છીએ.