છેલ્લા ૨૪ કલાકમાં ૮૬૯૬૧ પોઝિટિવ કેસ, ૧૧૩૦ના મોત નિપજ્યા…
દેશમાં કુલ કોરોના કેસનો આંકડો ૫૪ લાખને પાર, મૃત્યુઆંક ૮૭ હજારની નજીક, ૪૩ લાખથી વધુ દર્દી રિક્વર થયા…
ન્યુ દિલ્હી : ભારતમાં હવે કોરોનાથી સંક્રમિતોની સંખ્યા કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ છે. કુલ રિકવરીની બાબતમાં ભારત વિશ્વના અન્ય દેશો કરતા આગળ નીકળીને પહેલાં નંબર પર છે. અત્યાર સુધીમાં ૪૪ લાખ લોકો સાજા થઇ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૬,૯૬૧ નવા કોરોના કેસ નોંધાયા છે, ૧૧૩૦ લોકોના મોત થયા છે. ૨ સપ્ટેમ્બરથી દેશમાં એક હજારથી વધુ લોકોનાં મોત થયા છે. પરંતુ સારા સમાચાર એ છે કે ૨૪ કલાકમાં ૯૩,૩૫૬ દર્દીઓ સાજા પણ થઇ ગયા છે.
આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં હવે સંક્રમિતોની સંખ્યા હવે વધીને ૫૪ લાખ ૮૭ હજાર ૫૮૦ થઈ ગઈ છે. તેમાંથી, ૮૭,૮૮૨ લોકોના મોત થઇ ચૂકયા છે. એક્ટિવ કેસની સંખ્યા ૧૦ લાખ ૩ હજાર છે અને ૪૩ લાખ ૯૬ હજાર સાજા થઇ ચૂકયા છે. સંક્રમણના સક્રિય કેસોની સંખ્યાની તુલનામાં સાજા થનારા લોકોની સંખ્યા અંદાજે ચાર ગણી વધુ છે.
ICMRના મતે ૨૦ સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ ૬ કરોડ ૪૩ લાખે ટેસ્ટ થઇ ચૂકયા છે, તેમાંથી ગઈકાલે ૭ લાખ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
રાહતની વાત છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. મૃત્યુ દર ઘટીને ૧.૬૦% થયો છે. આ સિવાય સારવાર હેઠળ રહેલા એક્ટિવ કેસ જેમનો દર પણ ઘટીને ૧૯% પર આવી ગયો છે. તેની સાથે જ રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર ૮૦% થઇ ગયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં બે લાખથી વધુ સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. ત્યારબાગ બીજા ક્રમે તમિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસના કિસ્સામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ મોતના મામલામાં ભારતનો નંબર છે.
રોજેરોજ નોંધાતા કેસની વાત કરીએ તો, ભારતમાં આ મહિનામાં કોરોનાના ફેલાવાની ઝડપ ખૂબ જ વધી છે. સપ્ટેમ્બરના માત્ર ૧૭ દિવસમાં જ દેશમાં ૧૫ લાખ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે બ્રાઝીલ અને અમેરિકાના આ જ ગાળામાં નોંધાયેલા કુલ કેસનો સરવાળો ભારતથી ઓછો, એટલે કે ૧૨ લાખ જેટલો થતો હતો. વળી, સપ્ટેમ્બરમાં આપણા દેશમાં કોરોનાથી થતાં મોતનું પ્રમાણ પણ વધ્યું છે. દેશમાં આ મહિનામાં કોરોનાથી ૧૮,૭૨૯ લોકોનાં મોત થયા છે. અમેરિકા અને બ્રાઝિલ કરતાં આ મહિનામાં ભારતમાં ૫,૦૦૦ વધુ મૃત્યુ નોંધાયા છે.