ન્યુ દિલ્હી : રાહુલ ગાધીએ પીએમ મોદી પર નિશાન સાધવાનુ બંધ કરીને કોંગ્રેસની કમાન સંભાળવા પર ધ્યાન આપવુ જોઈએ તેવુ પીઢ રાજકારણી અને એનસીપી ચીફ શરદ પવારનુ માનવુ છે.
એક વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, આમ તો આ કોંગ્રેસનો આંતરિક મામલો છે પણ જ્યારે કોંગ્રેસીઓએ રાહુલ ગાંધીને નેતા તરીકે સ્વીકારી લીધા છે ત્યારે મને લાગે છે કે, રાહુલ ગાંધીએ પાર્ટીની પૂરી જવાબદારી સંભાળવી જોઈએ.રાહુલ ગાંધીએ તમામ નેતાઓ સાથે વાત કરીને તમામને એક સાથે લાવવાની જરુર છે.
શરદ પવારે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ પહેલા તો દેશનો પ્રવાસ શરુ કરવો જોઈએ, પાર્ટી કાર્યકરો સાથે મુલાકાત કરવી જોઈએ .જે તેમણે થોડા સમય પહેલા ચૂંટણી પ્રચારના ભાગરુપે કર્યુ હતુ.આવુ તેમણે ફરી શરુ કરવાની જરુર છે.પાર્ટી કાર્યકરોને એકઠા કરવા અને ભેગા રાખવા બહુ મહત્વનુ હોય છે.
રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદી પર સતત કરાતી ટિપ્પણીઓના સવાલના જવાબમાં શરદ પવારે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીની આ વ્યક્તિગત બાબત હોઈ શકે છે પણ આપણે જોયુ છે કે, જ્યારે તમે કોઈ એક વ્યક્તિને સતત વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરો છો ત્યારે તમારી વિશ્વસનિયતા ઘટે છે.આ બાબતને ટાળવી જોઈએ.