આજે કંપનીની એજીએમ મળશે, મોટી જાહેરાતની સંભાવના…
એક મહિનાથી પણ ઓછા સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કૅપમાં ૧ લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો…
મુંબઇ : મુકેશ અંબાણીની નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ એક નવો ઈતિહાસ રચી દીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૨ લાખ કરોડ રૂપિયા માર્કેટ કૅપ પાર કરનારી દેશની પહેલી કંપની બની ગઈ છે. સોમવારે બીએસઇ પર આરઆઇએલનો શૅર ૩.૨૧ ટકાના ઉછાળાની સાથે ૧૯૩૮.૮૦ રૂપિયા પ્રતિ શૅરના ભાવ પર પહોંચી ગયો. આરઆઇએલના શૅરમાં તેજીથી કંપનીનો માર્કેટ કૅપ ૧૨ લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયો. આરઆઇએલ ૧૨ લાખ કરોડ રૂપિયા માર્કેટ કૅપ ટચ કરનારી ભારતની પહેલી કંપની છે. એક મહિનાથી પણ ઓછા સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કૅપમાં ૧ લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. આરઆઇએલની વાર્ષિક સાધારણ સભા ૧૫ જુલાઈના રોજ મળનારી છે અને આ મિટિંગમાં કંપની કોઈ મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે.
આરઆઇએલએ પોતાના ટેલિકોમ આર્મ જિયો પ્લેટફોર્મ્સ માટે વધુ એક મોટી ડીલ કરી છે. વાયરલેસ ટેક્નોલોજીસ સેક્ટરની દિગ્ગજ કંપની ક્વાલકૉમ ઇનકોર્પોરેટેડની ઇન્વેસ્ટમેન્ટ કંપની ક્વાલકૉમ વેન્ચર્સે જિયોમાં ૭૩૦ કરોડ રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ ડીલના બદલે ક્વાલકૉમ વેન્ચર્સને જિયોમાં ૦.૧૫ ટકા હિસ્સેદારી મળશે.
આ ડીલ માટે જિયોની ઇક્વિટી વેલ્યૂ ૪.૯૧ લાખ કરોડ રૂપિયા જ્યારે એન્ટરપ્રાઇઝિસ વેલ્યૂ ૫.૧૬ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ૧૨ સપ્તાહની અંદર જિયો પ્લેટફોર્મ્સમાં આ તેરમું રોકાણ છે.
૧૨ સપ્તાહમાં જીયો પ્લેટફોર્મ્સે ૨૫.૨૪ ટકા ભાગીદારી થકી હવે ૧,૧૮,૩૧૮.૪૫ કરોડ રૂપિયા એકઠાં કર્યાની જાહેરાત કરી છે. જેમાં દુનિયાના કેટલાક પ્રમુખ ટેક ઈન્વેસ્ટર્સ સામેલ છે.