વડોદરા : શિક્ષિત બેરોજગાર યુવાનોની મજબૂરીનો લાભ ઉઠાવી રેલવેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરતી ટોળકીનો શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે. ૫૪ બેરોજગાર યુવાન પાસેથી રૂપિયા ૧ કરોડ જેટલી રકમ પડાવનાર ટોળકીના ૩ સાગરીતોની પોલીસે ધરપકડ કરી છે અને દિલ્હીના ૨ શખ્સને વોન્ટેડ જાહેર કર્યાં છે. પોલીસે ટોળકીએ ભાડે રાખેલી ઓફિસમાંથી ઉમેદવારોના રેલવેના તૈયાર કરેલા બોગસ આઇકાર્ડ, રેલવેના બોગસ નિમણૂંક પત્રો સહિતના ઢગલાબંધ દસ્તાવેજો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
ACP એ.વી. રાજગોરે બોગસ રેલવે ભરતી કૌભાંડની માહિતી આપતા જણાવ્યું કે, વડોદરા શહેરમાં રેલવેમાં નોકરી અપાવવાનું કૌભાંડ આચરતી ગેંગ ફરી સક્રિય થઇ હોવાની વિગતો ર્જીંય્ને મળી હતી. જેને આધારે પોલીસની ટીમે વોચ રાખી હતી. ટોળકીના માસ્ટર માઈન્ડ તુષાર પુરોહિતે ઓલ્ડ પાદરા રોડ પર આવેલી મનીષા ચોકડી પાસે ઉદયનગરમાં એક ઓફિસ ભાડે રાખી હતી. અને શિક્ષિત બેરોજગાર યુવાનોને રેલવેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરવાની શરૂઆત કરી હતી. જોકે, આ ટોળકી રાતોરાત રફૂચક્કર થઇ જાય તે પહેલાં SOGએ દરોડો પાડીને ટોળકીના ૩ સાગરીતોને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઓફિસમાંથી બોગસ દસ્તાવેજો કબજે કર્યાં હતા.
રાજપીપળા, ઘોઘંબા અને વડોદરના ૩ શખ્સોની ધરપકડ વધુમાં જણાવ્યું તેઓએ કે, SOGએ આ કૌભાંડમાં તુષાર યોગેશભાઈ પુરોહિત(રહે, અમૃતવિલા એપાર્ટમેન્ટ, નવરંગપુરા, અમદાવાદ, મૂળ રહે, નવાપુરા, જેલ રોડ, રાજપીપળા), દિલીપ સોમાભાઈ સોલંકી (રહે, ઘોઘંબા, પંચમહાલ) અને કૌશલ ઘનશ્યામભાઈ પારેખ (રહે, મધુકુંજ સોસાયટી, રાધિકા સોસાયટી પાસે, વાસણા રોડ, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે.