આણંદ : આણંદના લાંભવેલમાં પૂર્વ જમાઈએ નશામાં ચકચૂર થઈ ધોળે દિવસે સાસુની કમકમાટીભરી હત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે. હત્યારા જમાઈએ આ અગાઉ પણ બે કે ત્રણ વખત હુમલા કરી ચુક્યો છે. વૃધ્ધ મહિલાની હત્યા કરી આરોપી તિક્ષ્ણ હથિયાર અન્યને મારવા જેમ તેમ વીંઝતો હોઈ હત્યારાને ગામ લોકોએ ધીબી નાખી પોલીસને હવાલે કર્યો છે. આણંદના લાંભવેલ ખાતે રહેતા ૬૫ વર્ષીય રંજનબેન પટેલની દીકરીના લગ્ન ચકલાસીના નિકુંજ બારોટ નામના યુવક સાથે થયા હતા. નિકુંજ બારોટ ખરાબ અને સાયકો પ્રકારની માનસિકતા ધરાવતો હતો તેની પત્ની પોતાના પિયર લાંભવેલ ખાતે આવતી હતી ત્યારે પણ અહીં આવી અવારનવાર પત્ની સાથે ઝગડા અને મારઝૂડ કરતો હતો.
નિકુંજના વ્યવહારથી તંગ આવી રંજનબેનની દીકરીએ તેની સાથે છૂટાછેડા લીધા હતા અને બીજા લગ્ન કર્યા હતા. લગ્ન ભંગાણ થયા તેમજ પૂર્વ પેમિકા અને પત્નીનો અન્ય ઘરસંસાર શરૂ કરતાં આરોપી બદલાની ભાવનાથી પીડાતો હતો. પ્રત્યક્ષદર્શી પાડોશી દીપિકા બહેન પટેલના જણાવ્યા મુજબ તેઓ ૪ મહિલાઓ રહેણાંકના સ્થળે વાતો કરતા હતા ત્યારે આરોપી ઘર પાસે ધસી આવ્યો હતો. ગમે તેમ ગાળો બોલતો હતો.
વર્તન અને માનસિકતા સાયકો પ્રકારની હોઈ અને ડઘાઈ ગયા હતા. અમે ઘરના ઝાંપાની અંદર ગયા પણ મૃતક રંજન બહેન બહાર હતા જે દરમિયાન હત્યારા નિકુંજ બારોટે ઝાંપો બહાર થઈ વાસી દીધો અને મૃતક રંજનબેન પટેલ ઉપર આક્રમક જીવલેણ હુમલો કરી ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. રંજનબેન સ્થળ ઉપર જ ઢળી પડયા હતા. જોકે હત્યારા નિકુંજ બારોટ ઉપર ખૂની માનસિકતા સવાર જ હતી.