લદ્દાખમાં મોદીના મિશનથી ચીન ભયભીત…
એરપોર્ટના લીધે લદ્દાખમાં પર્યટન વધશે જેથી ત્યાંના લોકો આત્મનિર્ભર બનશે અને સાથે જ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર વધશે…
ન્યુ દિલ્હી : લદ્દાખમાં વડાપ્રધાન મોદીના મિશનથી ચીન ડરી ગયું છે. મોદી સરકારે જે રીતે લદ્દાખના વિકાસનું બિડું ઝડપ્યું છે તેને લઈ ચીન ભારે ચિંતામાં આવી ગયું છે. જ્યાં સુધી લદ્દાખમાં એલએસી પાસે બેઝિક સ્ટ્રક્ચર વિકસિત નહોતું ત્યાં સુધી ચીનને એલએસી ખાતે પોતાની મરજી પ્રમાણે વર્તન કરવામાં સરળતા રહેતી હતી પરંતુ હવે મોદી સરકાર લદ્દાખમાં રસ્તા અને પુલથી લઈને એરપોર્ટ પણ વિકસિત કરી રહી છે. આ રીતે ચીનની તમામ ચાલ નિષ્ફળ બનાવાઈ રહી છે.
ચીન જાણે જ છે અને સમજી પણ ગયું છે કે લદ્દાખનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે અને હવે આ વિકાસના કારણે ચીન પરેશાન છે. સરહદી વિસ્તારમાં બની રહેલા રસ્તાઓ અને પુલ જ નહીં પરંતુ લદ્દાખનો સંપૂર્ણ વિકાસ ચીન માટે ચિંતાનું કારણ છે. આ તરફ મોદી સરકારે લદ્દાખના વિકાસ માટે એક વિસ્તૃત પ્લાન તૈયાર કરી રાખ્યો છે.
લદ્દાખમાં નવા રસ્તાઓ બની રહ્યા છે અને પર્યટનને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ ચાલુ છે. લેહ એરપોર્ટનું આધુનિકીકરણ વડાપ્રધાન મોદીના આ જ વિકાસ પ્લાનનો હિસ્સો છે. કુશક બાકુલા રિમ્પૌ એ સમગ્ર દેશને લદ્દાખ સાથે જોડનારૂં એકમાત્ર એરપોર્ટ છે. આ એરપોર્ટ પર નવી ટર્મિનલ બિલ્ડિંગ બનાવાઈ રહી છે જે આધુનિકતાની સાથે લદ્દાખની કલા અને સંસ્કૃતિ પર આધારીત હશે. પોતાની સુંદરતાના કારણે લદ્દાખ સમગ્ર વિશ્વના પર્યટકોને પોતાની બાજુ ખેંચે છે અને દર વર્ષે અનેક હજાર પર્યટકો તેની મુલાકાત લે છે. આ કારણે જ લેહ એરપોર્ટને ખૂબ જ આધુનિક રીતે બનાવવાની યોજના છે.
લેહના નવા ટર્મિનલની ખાસીયતોઃ-
લેહનું નવું ટર્મિનલ ૧૮,૯૮૫ વર્ગ મીટરમાં ફેલાયેલું હશે અને એકસાથે ૮૦૦ મુસાફરોને સમાવી લેવાની ક્ષમતા ધરાવતું હશે. એરપોર્ટની નવી ઈમારતમાં ૧૮ ચેકઈન કાઉન્ટર, ૮ સેલ્ફ ચેકઈન કાઉન્ટરની સાથે જ ૧૫ લિફ્ટ અને ૧૧ સ્વચાલિત સીડીઓ બનાવાશે. આટલું જ નહીં ચીન જે બૌદ્ધ ધર્મની કલા અને સંસ્કૃતિને તિબેટ સહિત સમગ્ર વિશ્વમાંથી નષ્ટ કરવા પ્રયત્ન કરી રહ્યું છે તે જ કલા અને સંસ્કૃતિ વડે ભારતના લેહ એરપોર્ટની નવી ટર્મિનલ બિલ્ડિંગને વિશેષ ઓળખ મળશે.
નવા ટર્મિનલને પરંપરાગત સ્તૂપ અને હિમાલયની આકૃતિ જેવું બનાવવામાં આવશે. બૌદ્ધ ધર્મની કલા અને સંસ્કૃતિના ચિહ્નોને એરપોર્ટ પર વિશેષ સ્થાન આપવામાં આવશે. ટર્મિનલની છતોને લદ્દાખના ટેરેન અને લેન્ડસ્કેપ પહાડો જેવું સ્વરૂપ આપવામાં આવશે અને લદ્દાખના પ્રાર્થનાવાળા ઝંડાઓ પણ લગાવવામાં આવશે. તે સિવાય રિટેલ, ચેકઈન અને લોન્જ એરિયામાં મંડાલા લગાવવામાં આવશે જેને બૌદ્ધ ધર્મ પ્રમાણે બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. લેહ એરપોર્ટનું આ ટર્મિનલ ૪૮૦ કરોડ રૂપિયાના ખર્ચે આગામી વર્ષે બનીને તૈયાર થઈ જશે.