ગયા વર્ષે આ ગાળામાં ૧.૧૩ લાખ કરોડ હતુ…
ન્યુ દિલ્હી : દેશભરમાં લોકડાઉનને કારણે માર્ચ મહિના માટે ર૯ એપ્રિલ સુધી જીએસટી કલેકશન રેકર્ડબ્રેક ઘટીને રૂ. ર૮૩૦૯ કરોડ રહ્યું છે. માર્ચ ર૦૧૯ માં તે ૧.૧૩ લાખ કરોડ હતું.
એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે જીએસટી કલેકશનના આંકડા ચિંતાજનક છે ખાસ કરીને એટલા માટે કે ર૪ માર્ચ સુધી બધા વેપાર-ધંધા ચાલતા હતાં. ર૪ માર્ચે સરકારે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ હતું.
સામાનના ટ્રાન્સપોર્ટ પર લાગતો ઇ-વે બિલમાં માર્ચ દરમ્યાન ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જે હવે માર્ચમાં ઘટીને ૮૦ ટકા સુધી નીચે ચાલ્યો ગયો છે. અત્રે એ નોંધનીય છે કે એક રાજયથી બીજા રાજયમાં પ૦,૦૦૦ થી વધુનો સામાન મોકલાય તો ઇ-વે બિલની જરૂર પડે છે.
કોરોનાને કારણે સરકાર પાસે રાહત પેકેજની માંગ થઇ છે આ દરમ્યાન ટેક્ષ કલેકશનમાં રેકોર્ડ ઘટાડો થતાં સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે. જો કે અધિકારીએ કહયું છે કે, ટેક્ષ કલેકશન વધશે કેમ કે માર્ચની રિટર્ન ફાઇલની તારીખ પ મે કરાઇ છે મે અને જુનમાં ટેક્ષ કલેકશનમાં ઘટાડો જોવા મળશે. કારણ કે લોકડાઉન પછી ધીમે ધીમે વેપાર શરૂ થશે. દરમ્યાન રાજયોના જીએસટી કલેકશનમાં ૯૦ ટકા સુધીનું ગાબડુ પડયું છે. આસામ, પ.બંગાળ, આંધ્રમાં જીએસટી કલેકશન ૯૦ ટકા ઘટયુ છે.
૧લી એપ્રિલથી ર૭ એપ્રિલ વચ્ચે જીએસટીના અને વ્યાપારથી ૬૭.૪૭ લાખ ઇ-વે બિલ જનરેટ થયા માર્ચ ર૦ર૦ માં ૪.૦૬ કરોડ ઇ-વે બિલના ૧૭ ટકા જ છે.