સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા…
ન્યુ દિલ્હી : લોકડાઉનના ત્રીજા તબક્કામાં દારૂની દુકાનો ખોલવા માટે આજથી છૂટ આપવામાં આવી છે. લગભગ દોઢ મહિના સુધી લોકો દારૂ પીધા વગર જીવી રહ્યા હતા. આવા તમામ લોકો દારૂ પીવા માટે એટલા બધા તલપાપડ થઈ રહ્યા હતા કે સરકાર તરફથી છૂટ મળતાની સાથે જ દારૂની દુકાનો પર એક-એક કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકડાઉનમાં આપેલી છૂટછાટમાં સ્પષ્ટ પણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાના આદેશ આપ્યા હતા. પરંતુ અનેક વિસ્તારોમાં દારૂની દુકાનો ખુલે તેના બે કલાક પેહેલેથી જ લોકોની લાઈનો લાગવા લાગી હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે દુકાનોની બાહર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા તેમજ કેટલીક જગ્યાઓએ ખાના દોરવામાં આવ્યા હતા જેથી લોકો એકબીજા વચ્ચે અંતર રાખી શકે.
દિલ્હીના ચન્દ્ર નગર અને કાશ્મીરી ગેટ વિસ્તાર દારૂની દુકાનોની બહાર લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે. આ લાઈનોને કાબુમાં રાખવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આશરે દોઢ મહિનાના લોકડાઉન બાદ ગ્રીન ઝોનમાં દારૂની દુકાનો ફરીથી ખોલવાની છૂટ આપી છે. પરંતુ લોકોને અહીં સરકાર તરફથી આદેશ આપવામાં આવેલ સોશિયલ ડિસ્ન્સિંગના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે.
જોકે, કેટલાક વિસ્તારોમાં સોશિયલ ડિસન્ટન્સિંગનું પાલન થતું જોવા મળ્યું હતું. જ્યાં કેટલીક જગ્યાઓએ લાઈનોમાં ધક્કા-મુક્કી પણ થઈ હતી. પરંતુ લોકડાઉનમાં આપવામાં આવેલી ઢીલ પોલીસ માટે સૌથી મોટો પડકાર બનીને સામે આવ્યો છે. દેશભરમાં જે-જે વિસ્તારોમાં દારૂની દુકાનો ખોલવા માટેની છૂટ આપવામાં આવી છે તે વિસ્તારોમાંથી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે.