રાજકોટ : વ્યસનનું જો મોટું પ્રમાણ હોય તો એ સૌરાષ્ટ્રવાસીઓમાં છે. કોઈ પણ સમય સંજોગો હોય પરંતુ કાચી ૩૫ મસાલા વગર કેમ ચાલે તેવી માનસિકતા અહીંના લોકો ધરાવે છે. કોરોના વાઇરસને લઇ લોકડાઉની પરિસ્થિતિમાં જીવનજરૂરી વસ્તુઓ સિવાય બહાર આવવાની મનાઈ છે ત્યારે લોકો કોઈને કોઈ બહાનું શોધી બ્લેકમાં મળતા મસાલા લેવા છાનેખૂણે જઈ રહ્યા છે. ત્યારે છાનેખૂણે વેચાતા બ્લેકમાં મસાલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કાચી ૩૫ મસાલાના બાર રૂપિયાના બદલે ૨૦ રૂપિયા લેવામાં આવી રહ્યા છે. છતાં પણ લોકો ફાકી લેવા નીકળે છે.
રાજકોટવાસીઓને કોઈ પણ ભોગે મસાલો તો જોઈએ જ. ત્યારે શહેરમાં પાનના ગલ્લાઓ અને દુકાનો સજ્જડ બંધ રાખવામાં આવે છે. પરંતુ બે પૈસા કમાવવાની લાલચમાં અમુક લોકો આખી રાત ઘરમાં મસાલાના પાર્સલ બનાવી રહ્યા છે અને સવારે થેલીમાં રાખી વેચાણ કરી રહ્યા છે. રાજકોટમાં અલગ-અલગ સ્થળોએ આવા મસાલાઓનું વેચાણ થઈ રહ્યું છે તે પોલીસને પણ ખબર છે પરંતુ તે આંખ આડા કાન કરી રહી છે.
જ્યારે એક સામાન્ય નાગરિકે આવા સમયે વ્યસન છોડવાનો મોટો મેસેજ પાસ કરી આવા મસાલા વેચતા લોકોને કેમેરામાં કેદ કરી લીધા હતા. આ વીડિયો મીડિયાને પહોંચાડવામાં આવ્યો હતો. આ વીડિયોમાં એક યુવાન મસાલા લઈને બેઠો હોય છે જે સંતાડી રાખે છે અને કોઈ મસાલો લેવા જાય તો સંતાડેલા મસાલા કાઢી તેને બજારભાવ કરતાં ડબલ ભાવથી વધુ કિંમતે આપવામાં આવે છે અને લોકો લે પણ છે.