અમૃતસર : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ૧૦૦ ટકા વેકસીનેશન કરવા વાળા ગામો માટે ૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. વેકસીન મુકાવવાનો ખચકાટ દુર કરવા માટે અને ગામના લોકોને પ્રોત્સાહિત કરવા માટે પંજાબ સરકારે કોરોના મુકત પિંડ અભિયાનની શરૂઆત કરી છે. મુખ્યમંત્રીએ રાજયભરના સરપંચોને અને પંચોને કોવિડ વિરુધ્ધ્ની લડાઇમાં પોતાના ગામનું નેતુત્વ સંભાળવાની અપીલ કરી છે.
મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યુ કે હળવા લક્ષણો આવવા પર કોરોનાની તપાસ અને વેકસીનેશન માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની સારવાર માટે સરકારે પંચાયત ફંડમાંથી રોજના ૫ હજારથી ૫૦ હજાર રૂપિયા સુધીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગામોમા રહેતી વસ્તીને કોરોનાના દુષ્પ્રભાવ પ્રત્યે સંવેદનશીલ બનાવવાની જરૂરિયાત છે. જીવન બચાવવા માટે સત્વરે કોરોનાની ઓળખ અને તેની સારવારના મહત્ત્વને સામે રાખીને મુખ્યમંત્રીએ કહ્યું કે આના માટે વિશેષ જાગૃતિ અભિયાનની જરૂરત છે. પંચાયતોમાં વિશેષ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવે જેમાં પૂર્વ સૈનિકોની સેવાનો લાભ પણ લઇ શકાય એમ સીએમે કહ્યું હતું.
સીએમ અમરિંદર સિંહે ગામોમાં સંક્રમિત વ્યકિત ન આવે તેના માટે ઠીકરી પહેરા શરૂ કરવાની હિમાયત કરી હતી. તો સંક્રમિત વ્યકિતને ફતેહ કિટ આપવાની પણ તેમણે વાત કરી. તેમણે એમ પણ કહ્યું કે ઓકસીજન લેવલ જો ૯૪થી નીચે જવા માંડે તો સારવાર ચોકકસ લેજો. તેમણે ગામના લોકોને વિનંતી કરી હતી કે કોરોનાના હળવાં લક્ષણ પણ જોવા મળે તો જાતે જ કવોરેન્ટાઇન થઇ જજો. કારણ કે આ વાતને નજર અંદાજ કરવાને કારણે ગંભીર પરિણામ ભોગવવા પડે છે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે પંજાબમાં ૨૦૪૬ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનું નેટવર્ક છે અને બીજા ૮૦૦ ટુંક સમયમાં ઉભા થશે. તેમણે સરપંચો અને પંચોને ગામના લોકોની સારવાર સુનિશ્ચિત કરવા કહ્યું. તેમણે કહ્યુ કે રાજય સરકાર ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને વેકસીન પુરુ પાડવા માટે બધા પ્રયાસ કરી રહી છે.
કેન્દ્ર સરકારે કોરાના મહામારી સામે લડવા માટે વેકસીનેશન શરૂ તો કર્યું છે, પરંતું દેશના અનેક ગામડાઓમાં રહેતા લોકો હજુ જાણકારીના અભાવે વેકસીન લેવાથી ખચકાટ અનુભવી રહ્યા છે. ઘણા ગામોમાં તો લોકો વેકસીનની વાત સાંભળીને ભાગી જાય છે.