ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. કેશુભાઇ પટેલનાં ગુરૂવારે નિધન બાદ તેમણે ગુજરાત પ્રવાસનાં કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. પીએમ મોદી સવારે ૯ઃ૪૫ કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ , અમદાવાદનાં મેયર બિજલ પટેલે તેમનું કોવિડની ગાઇડલાઇન પ્રમાણે સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી પીએમ મોદી સીધા ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.
ત્યાર બાદ તેઓ મહેશ-નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમણે બંન્ને બંધુઓને શ્રદ્ધાંજલિ આપીને કનોડિયા પરિવારને સાંત્વના આપી હતી. ત્યાર બાદ તેઓ ગાંધીનગર હેલિપેડથી કેવડિયા જવા રવાના થયા હતા.
વડાપ્રધાન અમારા ઘરે પધાર્યા તે ગર્વની વાતઃ હિતુ કનોડિયા
નરેશ કનોડિયાના પુત્ર અને રાજ્યના ધારાસભ્ય એવા હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અમારા ઘરે પધાર્યા તે સમગ્ર પરિવાર માટે ગર્વની વાત કહેવાય. પીએમ મોદીજીએ અમને સાંત્વના અને હિંમત આપીને સાંત્વના આપી હતી.
તેમણે કહ્યું કે, અદભૂત જોડી અને બન્ને ભાઈ અમર થઇ ગયા. આ વાક્ય અમારા કૂટુંબ માટે અને સમગ્ર ગુજરાત માટે ઉમદા છે. આપ જોશો તો છબીની અંદર જન્મ કે મરણ તિથિ લખતા હોય છે, પણ અમે એ તારીખો લખી નથી. કારણ કે મહેશભાઈ અને નરેશભાઈ ખરેખર અમર થઇ ગયા છે. મોદી સાહેબે કહ્યું કે, બન્ને ભાઈનો અપાર પ્રેમ, અદભૂત પ્રેમ ખૂબ પ્રેરણાદાયી છે. લોકોએ તેમાંથી શીખ લેવી જોઇએ તેવા આ બન્ને વ્યક્તિત્વ છે.