જુલાઇમાં ડિલિવરી થવાની હતી, પરંતુ કોરોનાના કારણે વિલંબ થયો…
ન્યુ દિલ્હી : વડા પ્રધાન મોદી અને અન્ય મહાનુભવોની મુસાફરી માટે ઉપયોગમાં લેનારા કસ્ટમ મેડ બે બોઇંગ ૭૭૭ વિમાનો એર ઇન્ડિયાને સપ્ટેમ્બર સુધીમાં મળી જશે, એમ એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. ગયા વર્ષે ઓકટોબરમાં સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે માત્ર મહાનુભવો માટે ના જ ખાસ બે વિમાનોની ડીલીવરી જુલાઇ સુધીમાં કરી દેવાશે.
’ડીલીવરીમાં થોડો વિલંબ થયો છે, ખાસ તો કોવિડ-૧૯ના કારણે. પરંતુ હવે સપ્ટેમ્બરના અંત સુધીમાં આપણને બે વિમાનો મળી જશે’એમ આજે એક અધિકારીએ કહ્યું હતું.બી-૭૭૭ વિમાનોને એર ઇન્ડિયાના પાયલોટ નહીં પણ એરફોર્સના પાયલોટ ઉડાડશે. જો કે તેની જાળવણી તો એર ઇન્ડિયા એન્જીનીયંરિંગ સર્વિસીસ લિ. દ્વારા જ કરાશે જે સરકારી વિમાન કંપનીના પેટા કંપની છે.
હાલમાં વડા પ્રધાન, રાષટ્રપતિ અને ઉપ-રાષટ્રપતિ એર ઇન્ડિયા વન તરીકે ઓળખાતા વિમાનમાં જ ઉડે છે. મહાનુભવો માટે એર ઇન્ડિયાના પાયલોટ બી ૭૪૭ વિમાનો ઉડાડે છે અને તેની મરામત પણ એર ઇન્ડિયાના એક વિભાગ દ્વારા જ કરાય છે. જ્યારે આ વિમાનો કોઇ મહાનુભવોને લઇને નથી જતા ત્યારે સામાન્ય મુસાફરો માટે આ વિમાનો વપરાય છે.
નવા ખાસ વિમાનો માત્ર વીઆઇઆઇપી માટે જ ઉપયોગમાં લેવાશે. એર ઇન્ડિયાએ ૨૦૧૮માં ખરીદેવા કોમર્શિયલ એર ક્રાફ્ટમાં આ બે વિમાનોનો પણ સમાવેશ થતો હતો, પરંતુ ત્યાર પછી તેમને ખાસ મહાનુભવો માટે જ બનાવવા અને રિફિટિંગ માટે પાછા મોકલવામાં આવ્યા હતા.