૮ એપ્રિલે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી વાત કરશે…
ન્યુ દિલ્હી : તૃણમૂલ કોંગ્રેસ સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિભિન્ન પાર્ટીઓના નેતાઓ સાથે ૮ એપ્રિલે આયોજિત ચર્ચામાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. ટીએમસીએ જણાવ્યું કે, આ બેઠક માત્ર ફોટો પડાવવા માટે છે. વડાપ્રધાન મોદી સંસદમાં અલગ-અલગ રાજનીતિક પાર્ટીઓના નેતાઓ સાથે વીડિયો કોન્ફ્રન્સિંગ મારફતે કોરોના સંદર્ભે વાત કરશે.
આ અંગે તૃણમૂલ કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટી કોરોના વાઈરસ મામલે સંસદમાં ચર્ચાની માંગ કરી રહી હતી, ત્યારે કેમ ના થઈ? મમતા બેનર્જીની પાર્ટીના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ બેઠકમાં સામેલ નહીં થાય. અમે માર્ચ મહિનાથી જ કોરોના મુદ્દે સંસદ અને સર્વદલીય બેઠકમાં ચર્ચાની માંગ કરતા આવ્યા છીએ, ત્યારે અમારી વાત સાંભળવામાં ના આવી અને હવે બેઠક કેમ? શું માત્ર ફોટો પડાવવા માટે બેઠક બોલાવાઈ છે?
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, વડાપ્રધાન ૮ એપ્રિલે સવારે ૧૧ વાગ્યે સંસદ ભવનમાં એવી પાર્ટીઓના નેતાઓ સાથે વાતચીત કરશે, જેના લોકસભા અને રાજ્યસભામાં ૫ કે તેથી વધારે સભ્યો છે. એવું મનાય છે કે, આ બેઠકમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન સહિત કોરોના વાઈરસના સંકટ પર ચર્ચા થશે.