લોકડાઉન લંબાવાશે કે નહીં ? રાહતો-છૂટછાટ મળશે કે નહીં ? અટકળો અને અનુમાનોની આંધી…
લોકડાઉનના પહેલા તબક્કાનો આવતીકાલે 14 એપ્રિલે છેલ્લો દિવસ, 22 માર્ચે જનતા કર્ફ્યૂ બાદ લોકડાઉન 25 માર્ચે શરૂ થયું હતું…
નવી દિલ્હી : દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૩૦૮ લોકોના મોત થયા છે અને ૧૦ હજાર જેટલા પીડિતોની સંખ્યા થઇ છે ત્યારે ૨૪મી એપ્રિલથી લાગુ લોકડાઉનની મુદ્દત આવતીકાલે પુરી થઇ રહી છે ત્યારે આવતીકાલે સવારે ૧૦ વાગ્યે વડાપ્રધાન મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. લોકડાઉન સહિત અનેક બાબતો અંગે તેઓ જાહેરાત કરશે.
અનેક રાજ્યોમાં લોકડાઉન લંબાવવામાં આવશે તે નક્કી છે સાથોસાથ કેટલીક રાહતો અને છૂટછાટ પણ આપવામાં આવશે. સૌનું ધ્યાન હવે આવતીકાલની વડાપ્રધાનની જાહેરાત ઉપર કેન્દ્રીત થયું છે. કોરોના વધુ ફેલાય નહીં, અર્થતંત્ર પુનઃ ધબકતુ થાય, નાના માણસોને રોજગારી પુનઃ શરૂ થાય એ બાબતે જાહેરાતો થશે તે નક્કી છે. ૧૦ જેટલા રાજ્યોએ લોકડાઉન લંબાવવાની માંગણી કરી છે.
માનવામાં આવી રહ્યું છે કે તે આ દરમિયાન લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. વડાપ્રધાને શનિવારે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. બેઠકના તરત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘વડાપ્રધાને લોકડાઉન વધારવાનો યોગ્ય નિર્ણય લીધો છે.’પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એક કલાક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ‘વડાપ્રધાને 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાના સૂચન પર ચર્ચા કરી હતી. અમે આ નિર્ણયમાં તેમની સાથે છીએ.’