મનાલી : દેશને વધુ એક ગર્વનો અવસર મળશે. જેની ખૂબ જ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે અટલ સુરંગ બનીને તૈયાર થઈ ગયું છે. જે આગામી મહિનામાં પીએમ મોદી દેશને સમર્પિત કરશે.
હિમાલયની પીર -પંજાલ રેન્જમાં ૧૦ હજાર ફીટથી વઘુ ઉંચાઈ પર નિર્મિત આ વિશ્વની સૌથી લાંબી અને અત્યાધુનિક ટ્રાફિક ટનલ હશે. લેહ-મનાલીને જોડનાર આ સુરંગનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની સ્મૃતિમાં અટલ રોહતાંગ સુરંગ (અટલ ટનલ ) રાખવામાં આવ્યું છે.
સુરંગની ઉપર સેરી નદીનું પાણી જળાશયમાં ભેગું કરવામાં આવશે. આ કારણે સુરંગ બનાવવામાં ૪૦૦૦ કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. આ યોજનાને પૂર્ણ કરવામાં અંદાજે ૫ વર્ષનો વિલંબ થયો છે. પરંતુ દેર આયે-દુરસ્ત આયેની આ કહેવતની જેમ હવે આ ટનલ દેશના મુકુટમાં શોભા બનવા જઈ રહી છે.
૮.૮ કિલોમીટર લાંબી આ સુંરગનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની જવાબદારી હતી. જે શરુ થવાથી હવે તમામ સીઝનમાં લાહૌલ અને સ્પીતિ ખીણના સુદૂર વિસ્તારોમાં સંપર્ક રહશે. સુરંગ બહારથી જેટલી મજબુત છે એટલી જ અંદરથી પણ સુરક્ષિત અને સુવિધાજનક છે. સુરંગની અંદર સીસીટીવી કેમેરા, લાઈટ સેવિંગ સેન્સર સિસ્ટમ, પ્રદૂષણને રોકવા માટેની સિસ્ટમ,ઑક્સીજન લેવલની સ્થિર રાખવા માટે બંન્ને છેડે હાઈ-કૈપેસિટી વિન્ડ ટરબાઈન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.