પાકા કામના ૬૦ કેદીઓને સરકારે રાખવાની મંજૂરી આપી…
વડોદરા : વડોદરાના દંતેશ્વર ખાતે રૂપિયા ૧૧.૨૬ કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક ઓપન જેલ બનીને તૈયાર થઈ ગઈ છે. આ ઓપન જેલમાં પાકા કામના ૬૦ કેદીઓને રાખવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે. ૪.૧૨ એકરમાં બનેલી ઓપન જેલમાં બે માળની કુલ ૧૨ બેરેક બનાવાઈ છે. એક બેરેકમાં પાંચ કેદીઓને રાખવામાં આવશે.
ઓપન જેલમાં કેદીઓ માટે મેડીટેશન હોલ, લાઈબ્રેરી, વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, ઓપન થિયેટર, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, ઈન્ડોર ગેમ હોલ, યોગા હોલ, કિચન, બાર્બર શોપ, ક્લોથીંગ સ્ટોર અને લોન્ડ્રીની પણ સુવિધા ઉભી કરાઈ છે.જેનું નજીકના દિવસોમાં ગૃહમંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે, તેમ જેલના અધિકારીએ જણાવ્યું હતું.
શહેરની મધ્યમાં આવેલી વડોદરા સેન્ટ્રલ જેલને ખસેડી નવી જેલ બનાવવા સને ૧૯૭૦માં દંતેશ્વર ખાતે જમીન ફાળવાઈ હતી, પરંતુ જમીનની વચ્ચોવચ ગટરના પાણીનો મોટો કાંસ પસાર થતો હોવાથી જેલ બનાવવાનું આયોજન માંડી વાળ્યું હતું. જે બાદ ૧૦૩ એકરમાં ફેલાયેલી વિશાળ જમીનને દંતેશ્વર જેલ વાડી તરીકે ઉપયોગમાં લેવાનું શરૃ કરાયું હતું. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જુદા – જુદા હેતુ માટે ૧૩ એકર જમીન અન્ય સરકારી વિભાગોને ફાળવવામાં આવી હતી. જેથી જેલ તંત્ર પાસે ૯૦ એકર જમીન બચી હતી.
જેલમાં સજા ભોગવતા કેદીઓને રોજગારી મળી રહે અને સજા પુરી કરી સમાજમાં સારા નાગરિક તરીકે પુનઃ સ્થાપિત થાય તેવા હેતુથી દંતેશ્વર ખાતેની જગ્યામાં ઓપન જેલ બનાવવાનું નક્કી કરાયું હતું. જેની સને ૨૦૦૩માં સરકારમાં દરખાસ્ત કરાઈ હતી. જેને સરકારે છેક ૨૦૧૫માં ધ્યાને લઈ મંજૂરી આપતાં ઓપન જેલનું બાંધકામ શરૃ કરાયું હતું. તાજેતરમાં ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક ઓપન જેલ બની તૈયાર થઈ ગઈ છે.