વડોદરા : ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી ૨૩ ફેબ્રુઆરીના રોજ પોલિટેકનિક કોલેજ ખાતે સવારે ૯ કલાકથી હાથ ધરવામાં આવશે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મતગણતરી સ્થળ ફરતે અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીની સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-૧, ૪, ૭, ૧૦, ૧૩ અને ૧૬ના પરિણામો આવશે. કોલેજ બહારથી નગરજનો પરિણામ જોઇ શકે તે માટે સ્ક્રીન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૧ ફેબ્રુઆરીના વડોદરા મહાનગરપાલિકાના ૧૯ ઇલેક્શન વોર્ડની ૭૬ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી બાદ તમામ ઈવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલિટેકનિક કોલેજમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બનાવવામાં આવેલા વિશેષ સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ મૂકવામાં આવ્યા હતા.
તે સાથે બેલેટ પેપરથી મતદાન કરેલી પેટીઓ પણ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી હતી. આજે ૨૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. પોલિટેકનિક કોલેજમાં રાખવામાં આવેલા ઈવીએમ રાખવામાં આવ્યા હોવાથી કોલેજ ફરતે ત્રિસ્તરીય લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં બંધુકધારી પોલીસ જવાનોને મુખ્ય ગેટ ઉપર, સ્ટ્રોંગ રૂમની અંદર પેરામિલેટ્રી ફોર્સ અને સ્ટ્રોંગરૂમમાં સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યા છે.
સવારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે પોલિટેકનિક ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડી.સી.પી. દીપક મેઘાણી પણ જોડાયા હતા અને બંદોબસ્ત અંગેની સમીક્ષા કરી હતી. સ્ટ્રોંગ રૂમની બહાર પેરા મિલીટ્રી ફોર્સના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટ્રોંગરૂમમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગરૂમ સુધી અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.