વડોદરા : જિલ્લામાં મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ૧૫ ગાડી દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં જાનહાનિ થયેલ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મકરપુરા જીઆઈડીસીમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીમાં સવારે ચાર વાગ્યાના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ મકરપુરા જીઆઇડીસી ફાયરબ્રિગેડને થતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચેલા લાશ્કરોએ આગનું વિકરાળ સ્વરૂપ જોઈ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. એ બાદ વડોદરા શહેરનાં તમામ ફાયર સ્ટેશનોમાંથી ૧૫ પાણીના બંબાઓ રવાના કરવામાં આવ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડના સબ ફાયર ઓફિસરો સહિત ૩૫ જેટલા લાશ્કરો કામે લાગ્યા હતા.
- Ravi Patel, Vadodara