વડોદરા : શહેરમાં વેક્સિનેશન અભિયાન અંતર્ગત આરોગ્ય અને પોલીસ સહિતના વિવિધ વિભાગોના મોખરાના કોરોના લડવૈયાઓને રસી મૂકવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં આજે ૪ કેન્દ્રોમાં ૩૩૦ લોકોને રસી મૂકવામાં આવી હતી. વડોદરા જિલ્લાની ૧૧ સરકારી અને ખાનગી તબીબી સંસ્થાઓ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈનના માર્ગદર્શન હેઠળ કોવિડ રસી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લામાં કોરોના સામેની લડતમાં સુકાની રહેલા ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલમાં મોખરાની હરોળના કોરોના યોદ્ધા તરીકે રસી મૂકાવી હતી. આ ઉપરાંત વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ અને મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપે રસી મૂકાવી હતી અને લોકોને સલામતીનો સંદેશ આપ્યો હતો.
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર તરીકે સયાજી હોસ્પિટલમાં કોરોનાની રસી મૂકાવીને સૌને પ્રેરણા આપી હતી. વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.સુધીર દેસાઇએ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર તરીકે જિલ્લાના પોર સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી મૂકાવીને રસી સલામત છે. કોરોના સામે સુરક્ષિત રહેવા માટે રસી અવશ્ય મૂકાવો એવો પ્રેરક સંદેશ આપ્યો હતો અને તેની સાથે વડોદરા જિલ્લાના ગ્રામ્ય પોલીસ દળના રસીકરણની શરૂઆત થઈ છે.
રવિવારે આરોગ્યના કોરોના લડવૈયાઓની સાથે પોલીસ જેવા વિભાગોના ફ્રન્ટ લાઈન વોરિયર્સને પણ રસીકરણમાં આવરી આવશે, તેવી જાણકારી આપતાં અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર ટીલાવતે જણાવ્યું કે, આજે વડોદરા જિલ્લામાં ૪ કેન્દ્રો ખાતે ૩૫૩ની સામે ૩૩૦ લોકોને રસી મૂકીને ૯૩.૪૮ ટકા જેટલી કામગીરી થઈ હતી. વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં આરોગ્યના લડવૈયાઓને રસી મૂકવાની ૫૯.૪૫ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે.