વડોદરા : ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો ૧૪૦૦ને પાર થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં સુરત, અમદાવાદ અને રાજકોટ પછી કોરોનાનું સૌથી વધુ સંક્રમણ વડોદરામાં છે. ત્યારે વડોદરા પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે જાહેરનામું બહાર પાડી વડોદરામાં કલમ ૧૪૪ લાગું કરી દીધી છે. વડોદરા શહેરની હદમાં ચાર કરતાં વધુ વ્યકિતએ ભેગા થવુ નહીં અને સભા સરઘસ ઉપર પ્રતિબંધ મુકીને પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટે તા. ૨૭મી સપ્ટેમ્બરથી તા.૧૧મી ધારા ૧૪૪ લાગુ કરતું જાહેરનામુ પ્રસિધ્ધ કરતાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે, જાહેરનામાને લોકડાઉન સાથે નિસ્બત નથી.
તે લાંબા સમયથી અમલમાં છે માત્ર રીન્યુ કરાયુ છે. લોકોએ પેનીકમાં આવવાની જરૂર નથી. આ જાહેરનામુ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવી વ્યક્તિઓ તથા હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને લાગુ પડશે નહીં. રાજય સરકાર પુનઃ લોક ડાઉન લાવી રહી છે તેવી અફવા ફેલાતા લોકોએ જીવન જરુરી ચીજવસ્તુઓની ખરીદી શરુ કરી હતી. રાજય સરકાર દ્વારા પણ આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી હતી. અહિં નોંધવુ જરુરી છે કે, પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટે ગઈકાલે તા.૨૪મી સપ્ટેમ્બરે એક જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ હતુ.
જેમાં લખ્યુ હતુ કે, ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ એકટ ૩-૭- (૩) હેઠળ જાહેર સલામતી અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાર કરતાં વધુ વ્યકિતએ ભેગા થવું નહીં અને સભા સરઘસ યોજવા નહીં. તા. ૨૭મી સપ્ટેમ્બરથી ૧૧મી ઓકટોબર સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે. આ જાહેરનામાને લોકોએ લોક ડાઉનની અટકળ સાથે જોડી દીધુ હતુ. પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટના જણાવ્યા પ્રમાણે આ રૂટીન પ્રક્રીયા છે અને જાહેરનામુ રીન્યુ કરવામાં આવ્યું છે.