પંચમહાલના આધેડનું મોત…
વડોદરા : રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસેએ વધુ એક દર્દીનો ભોગ લીધો છે. કોરોના વાયરસના કારણે વડોદરામાં ૭૮ વર્ષનાં આધેડનું મોત થયું છે. મૃતક પંચમહાલ જિલ્લાનાં રહેવાસી હતા અને વડોદરામાં ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૮ થઈ છે.
ગોધરાના વેજલપુર રોડ પાણીની ટાંકી પાસે રહેતા ૭૮ વર્ષીય વૃદ્ધ અબ્દુલ પટેલને કોરોના વાઈરસના લક્ષણો દેખાતા વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા વડોદરાના બહુચરાજી રોડ માતરીયા કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સ્થાનિક રહીશો અને તેમના સગા સંબંધી સુધી આ વાત પહોંચી હતી તેના કારણે ટોળુ એકત્ર થયું હતું. તેમની દફનવિધિ ગોધરા ખાતે કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો, પરંતુ વહીવટી તંત્ર અને પોલીસ સમય સૂચકતા અને સમજણથી કામ લઇ સ્થાનિક રહીશોને સમજાવ્યા હતા. ત્યારબાદ મૃતક વૃદ્ધ અબ્દુલ પટેલની દફનવિધી માતરીયા કબ્રસ્તાન ખાતે કરવામાં આવી હતી.