વડોદરા : શહેરના યાકુતપુરા વિસ્તારમાં એક મહિલા પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બે રાઉન્ડ ફાયરિંગ થયાનું કહેવામાં આવી છે પરંતુ સૂત્રોનું કહેવું છે કે મહિલા પર આડેધડ ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ફાયરિંગ બાદ બે અજાણ્યા વ્યક્તિઓ ફરાર થઈ ગયા હતા. મહિલાને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મહિલાનું નામ અમીનાબેન છે.
મહિલાના ઘરે હાજર બાળકે મીડિયાને જણાવ્યું હતું કે, ગોળી મારી દીધી છે. આ બાળક ખૂબ જ ડરેલું હતું. બનાવ બાદ વડોદરા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ દોડી આવી હતી. પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે. ફાયરિંગને પગલે આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે આસપાસ સીસીટીવી પણ લાગેલા છે. પોલીસ હવે સીસીટીવી કબજે લઈને તપાસ હાથ ધરી શકે છે.
એવી માહિતી મળી છે કે મહિલા અહીં પોતાના પરિવાર સાથે રહે છે. આ દરમિયાન બે શખ્સો આવ્યા હતા અને આડેધડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ શરૂ છે. અમીનાબેન પર ફાયરિંગ થયું છે. તપાસ બાદ જ વધારે માહિતી આપી શકાશે. હાલ મહિલાને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહિલા પરિવાર યાકુતપુરા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે.