વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રૂપિયા ૨૬ કરોડના ખર્ચે જુદા- જુદા પંપીંગ સ્ટેશનમાં સ્માર્ટ એનર્જી એફિશિયન્ટ અપગ્રેડેશન અને મોનીટરીંગની કામગીરી હાથ ધરી છે. આ કાર્ય કરવાથી વીજ બચત થશે અને ઓનલાઈન મોનિટરિંગ થઈ શકશે. પમ્પિંગ સ્ટેશનનો ઉપરાંત પાણી પુરવઠો પાડતા તમામ વોટર સોર્સ ઉપર પણ પંપીંગ મશીનરી અપગ્રેડ કરાશે. આ યોજના હેઠળ સૌપ્રથમ મહી નદી ખાતે આવેલા દોડકા કૂવાની જૂની બદલી નવી એચ ટી ઈલેક્ટ્રીક પેનલ ફીટ કરવાની કામગીરી તારીખ ૭ ના રોજ કરવામાં આવશે દોડકા કુવા ખાતેની ઈલેક્ટ્રીક પેનલો વર્ષો જૂની છે અને મેઇન્ટેનન્સ માટે તેના પાટ્ર્સ પણ મળતા નથી. પેનલ બદલવાની કામગીરી ૧૬ કલાક ચાલશે જેના લીધે પાણીના પંપો બંધ રાખવા પડશે. જોકે પાણી પુરવઠો બંધ નહીં રખાય પરંતુ આશરે પાંચ લાખ લોકોને પાણી લો પ્રેસરથી મળશે. દોડકા કૂવાથી પાણી મેળવતી ન્યુ સમા ટાંકી, નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ, સયાજી બાગ, જેલરોડ, લાલબાગ, માંજલપુર, આજવા રોડ અને પાણી ગેટ એમ નવ ટાંકી તેમજ એરપોર્ટ બુસ્ટર, ખોડીયાર નગર અને વારસીયા બુસ્ટરને અસર થશે. અહીંથી પાણી મેળવતા વિસ્તારોને તારીખ ૭ ની સાંજે અને તારીખ ૮ ની સવારે પાણી લો પ્રેસરથી મળશે. દિવાળી બાદ મહી નદી ખાતેના રાયકા કુવાની પેનલ બદલવાનું કામ હાથ પર લેવાશે. તાજેતરમાં આજવા ટાંકી અને વારસિયા બુસ્ટર ખાતે પેનલ બદલવાની કામગીરી કરાઈ હતી.