વડોદરા : શહેરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરવાના બહાર આવેલા કૌભાંડમાં ફતેગંજની વેદાંતા હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના ડો.મિતેશ ઠક્કરની સંડોવણી બહાર આવતાં તેની ધરપકડ કરાઇ છે. ઇન્જેક્શનના કાળા બજાર કરતાં મેઇલ નર્સ કુણાલને ડો.મિતેશે ઇંજકશનો વેચ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ડો.મિતેશ કઇ રીતે કોની પાસેથી ઇન્જેક્શન મેળવતો હતો તે અંગે પોલીસ તપાસ શરુ કરૂ છે. વધુ એક મેઇલ નર્સ જીગ્નેશ પટેલની પણ પોલીસે ધરપકડ કરી હતી.
રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજારમાં ડો.ધીરેન દલસુખભાઈ નાગોરા (ઉ.વ.૪૧,રહે-ડી-૮૪,પાવનધામ સોસાયટી, વારસીયા રીંગ રોડ)ને ઝડપી લઇ રેમડેસિવિર ઇન્જેકશન કબજે કરાયુ હતું આ ઇન્જેકશન તેણે પાણીગેટની શ્રીજી હોસ્પિટલમાં નોકરી કરતા કૃણાલે રૂા.૫ હજારમાં આપ્યું હોવાનું જણાવતા પોલીસે કુણાલને પકડયો હતો તેની તપાસમાં તે ઇન્જેક્શન ફતેગંજની વેદાંતા હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા ડો.મિતેશ ઠક્કર પાસેથી લાવ્યો હોવાનું જણાવતાં મંગળવારે ડો.મિતેશની ઉંડી પુછપરછ કરાઇ હતી.
પોલીસે જણાવ્યું, પુછપરછમાં ડો.મિતેશ ઠક્કરે કુણાલને કોરોનાની મહામારી દરમિયાન ઘણા ઇન્જેક્શન બ્લેકમાં વેચ્યા હોવાની કબુલાત કરતાં પોલીસે ડો.મિતેશ ઠક્કરની ધરપકડ કરી હતી. ડો.મિતેશ કોની પાસેથી ઇન્જેક્શન લાવતો હતો અને કુણાલ સહિત અન્ય કોને કોને કેટલા રુપીયામાં વેચતો હતો તેની તપાસ પોલીસે શરુ કરી હતી. બીજી તરફ ડો.ધીરેનને ઇન્જેક્શનો વેચનારા જીગ્નેશ પટેલ નામના વધુ એક મેઇલ નર્સને પણ પોલીસે ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસે ડો.ધીરેન નાગોરાને અદાલતમાં રજુ કરી તપાસ માટે ૩ દિવસના રિમાન્ડ તથા રાહુલના પણ ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ બુધવારે કુણાલ પટેલને અદાલતમાં રજુ કરી ૨ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કુણાલના ઘરે પોલીસે દરોડો પાડતાં ૧.૬૫ લાખ રોકડા મળ્યા હતા. આ પૈસા કેટલા ઇન્જેક્શન વેચીને મેળવ્યા હતા અને કોને કોને વેચ્યા હતા તેની તપાસ પોલીસે શરુ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે રાહુલે કુણાલ પાસેથી ૬ ઇન્જેક્શન લીધા બાદ ડો.ધીરેનને વેચ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે રાહુલ, કુણાલ અને જીગો મોટા ભાગે કોરોનાની દવા અને ઇન્જેક્શન ફેઇથ હોસ્પિટલની નીચેના મેડીકલ સ્ટોરમાંથી જ ખરીદતા હતા . તે મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી હતી.
કુણાલને સંખ્યાબંધ ઇન્જેક્શનો વેચનારા ડો.મિતેશને આ ઇન્જેક્શન કોણ સપ્લાય કરતું હતું તેની તપાસ શરુ કરાઇ છે. ટોળકીએ અમદાવાદ તરફ પણ ઇન્જેક્શનો વેચ્યા છે કે કેમ તેની પણ તપાસ કરાઇ રહી છે. બીજી તરફ પોલીસે શંકા વ્યકત કરી હતી કે કોવીડ હોસ્પિટલમાં દાખલ દર્દીના નામના પ્રિસ્ક્રીપ્શન બનાવી મેડીકલ સ્ટોરમાંથી ઇન્જેક્શન ખરીદી લીધા બાદ આ ટોળકી કાળા બજારમાં વેચતી હોવી જોઇએ.