સુરત : સુરતમાં મજૂરી કામ કરી રહેલા જીતેન્દ્ર યાદવ અને તેમના ભાઈનો કામધંધો લૉકડાઉનના કારણે બંધ થઈ ગયો હતો. મુશ્કેલી બાદ તેઓ પોતાના ગામ બિહાર પહોંચ્યા હતા. તમામ સ્થિતિ વર્ણવ્યા બાદ દુઃખ સાથે તેઓએ એટલું જ ક્હયું કે ગામમાં મીઠું ને રોટલી ખાઈને જીવી લઈશું પણ હવે કામ કરવા શહેરમાં નહીં જઈએ. હાલમાં બંને ભાઈઓને ગામની સ્કૂલમાં પરિવારનું મોઢું બતાવ્યા બાદ ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. દેશમાં કોરોના વાયરસનો હાહાકાર સતત ચાલુ છે અને દેશમાં લૉકડાઉન અમલમાં છે. તે જ સમયે સૌથી વધુ અસર શ્રમિકો અને ગરીબ લોકો પર જોવા મળી છે. ઘણા કામદારો કે જેઓ ગામ પરત ફર્યા છે તેઓ હવે શહેરમાં પાછા ફરવા માંગતા નથી.
લૉકડાઉનને કારણે દેશમાં શ્રમિકોનું સ્થળાંતર ચાલુ છે. તે જ સમયે સ્થળાંતર પછી તેમના ગામ પહોંચેલા કામદારો પણ પહેલા તેમના ઘરે જઇ શકતા નથી. ઘરે જતા પહેલા તેઓને ક્વૉરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના સુરતથી ટ્રકમાં બેસીને બિહાર પહોંચેલા શ્રમિક જીતેન્દ્ર યાદવે પણ શહેરમાં પાછા ન ફરવાનો નિર્ણય લીધો છે. જીતેન્દ્ર યાદવ અને તેના ભાઈની લૉકડાઉન થયા બાદ રોજગાર બંધ થઈ અને ભોજન મળવાનું પણ બંધ થયું હતું. તેઓ કહે છે કે હવે કંઈ બાકી નથી, જો કંઈ લઈને આવ્યા હોય તો તે લાચારી અને આંખમાં આંસુ છે. જીતેન્દ્ર બિહારના ગયા શહેરથી ૩૦ કિલોમીટર દૂર કોટમથુ ગામના છે.તેઓએ વિશ્વાસ સાથે નિખાલસપણે કહ્યું કે તે ભૂખથી મરી જશે, પરંતુ શહેરમાં નહીં જાય. જીતેન્દ્રએ કહ્યું કે માર્ગમાં મુસાફરી પણ મુશ્કેલ હતી. સુરતમાં બે મહિના જીવવા માટે, ગામથી ૧૨૦૦૦ રૂપિયા માંગ્યા અને વચન આપ્યું કે હવે તેઓ મીઠું ને રોટલી ખાશે પણ સુરત નહીં જાય. જો કે, ગામમાં પહોંચ્યા પછી પણ તેમના માટે ઘર હજી દૂર છે.