ગાંધીનગર : ગુજરાત માટે હાલ એક મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાંક દિવસથી મેઘરાજાએ આખા રાજ્યમાં જળબંબાકાર કરીને વિકટ પરિસ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં અત્યાર સુધી ૧૨૦ ટકાથી પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે. પરંતુ આગામી ૨૪ કલાક પછી રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અને હાલ રાજસ્થાન પર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી તે હવે પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે. જેના કારણે આગામી ૫ દિવસ ભારે વરસાદની કોઈ આગાહી નથી.
હવામાન વિભાગના મતે હજુ ગુજરાતમાં ચોમાસાને ૩૦ દિવસ બાકી રહ્યા છે અને ૧૨૦ ટકાથી પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં અનેક મોટો જળાશયો, નદીઓ અને તળાવો છલોછલ થઈ ગયા છે. ત્યારે હવે જગતનો તાત પણ ખમૈયા કરોની પોકાર લગાવી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ છે. અનેક પાકો નિષ્ફળ ગયા છે.
ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ૨૪ કલાક બાદ આગામી ૭ દિવસ સુધી વરસાદની તીવ્રતા ઘટશે.