સરકારની યોજનાઓની મદદથી ૫ લાખ યુવાનોને રોજગાર મળશે…
લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, વસ્તી વધારાને કારણે બેરોજગારી વધી છે. તેમણે જણાવ્યું છે કે, સરકારની ’એક જિલ્લા, એક પ્રોડક્ટ’ (ઓડીઓપી) યોજનાથી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં પાંચ લાખથી વધારે લોકોને રોજગાર મળશે.
મીડિયા રિપોર્ટ મુજબ, લખનઉમાં કેટલાક મીડિયકર્મીઓ સાથે વાત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, વસ્તી વધારાને કારણે બેરોજગારી વધી છે. ઓડીઓપી યોજના દ્વારા અમે પાંચ લાખ યુવાનોને બેંક સાથે જોડ્યા છે. આટલા મોટા પાયે રોજગારની ગેરંટી અભૂતપૂર્વ છે.
યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, યુવાનો આપણી ઉર્જાના પ્રતીક છે. તેમના માટે રાજ્ય સરકારે અનેક કાર્યક્રમમાં લાગુ કર્યા છે. વીતેલા દોઢ વર્ષમાં ૨ લાખ ૫૧ હજારથી વધારે યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે. સરકારે યુવાનો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. નોંધનીય છે કે, ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, રાજ્યની કુલ વસ્તી લગભગ ૨૦ કરોડ હતી. ત્યાંજ રાજ્યમાં જૂન ૨૦૧૮ બાદ બેરોજગારોની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો થયો છે. બેરોજગારોની સંખ્યા ૩૪ લાખ વધી છે.