આણંદ : જિલ્લામાં વાસદની કિસ્મત કાઠીયાવાડી હોટલ પાસેથી ગઈકાલે રાત્રીના સુમારે ૧૯.૩૯ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલા કન્ટેનર સાથે વાસદ પોલીસે ડ્રાયવરને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પોલીસને બાતમી મળી હતી કે, કિસ્મત કાઠીયાવાડી હોટલ પાસેના સર્વિસ રોડ ઉપર એક હરિયાણા પાસીંગનું શંકાસ્પદ કન્ટેનર ઉભેલું છે. જેના આધારે પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને કન્ટેનર નંબર એચઆર-૩૮, એક્સ-૮૪૦૯ના ચાલકને અટકાયતમાં લઈને કન્ટેનરમાં શું ભર્યું છે તે અંગે પુછતાછ કરતાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી હોવાનું જણાવ્યું હતુ. વિદેશી દારૂની હેરાફેરી કરવા અંગેના લાયસન્સની તેની પાસે માંગણી કરતા નહીં હોવાનું જણાવ્યું હતુ.
પોલીસે કન્ટેનરનું સીલ તોડીને અંદર તપાસ કરતાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેથી ડ્રાયવર સહિત કન્ટેનરને વાસદ પોલીસ મથકે લાવીને ગણતરી કરતાં વિદેશી દારૂની મોટી બોટલોની કુલ ૨૯૦ પેટી તેમજ ક્વાર્ટરીયાની ૯૦ પેટી મળીને કુલ ૧૯,૩૯,૨૦૦નો જથ્થો થવા પામ્યો હતો. પકડાયેલા ડ્રાયવરનું નામઠામ પુછતાં પ્રવિણકુમાર વેદપ્રકાશ યાદવ (રે. ગામ પાલી, તા. કુંડ, જિલ્લો રેવાડી, હરિયાણા)નો હોવાનું ખુલવા પામ્યું હતુ. તેની પાસેથી એક મોબાઈલ ફોન તેમજ જીપીએસ ડીવાઈસ પણ મળી આવ્યું હતુ જે સાથે કુલ ૨૯,૪૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ડ્રાયવરની વધુ પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો ગુડગાંવના નરેશ છાબડાએ કન્ટેનરમાં ભરાવીને તેનો માણસ આપી ગયો હતો અને તે કહે ત્યાં જવાનું હતુ. આ કબુલાતના આધારે પોલીસે બન્ને વિરૂદ્ઘ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.