આ મુદ્દો ગોપનીય છે તેથી અમે તે અંગેની કોઈ માહિતી જાહેર નહીં કરી શકીએ…
લંડન : ભારત ૬૪ વર્ષીય દારૂના બિઝનેસમેન અને ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. પરંતુ હજી માલ્યાના પ્રત્યાર્પણમાં થોડો વધુ સમય લાગે તેવું લાગી રહ્યું છે. તેના પ્રત્યાર્પણ પર બ્રિટન હાઈ કમીશન તરફથી કહેવામાં આવ્યું છે કે- વિજય માલ્યાના પ્રત્યાર્પણના મામલામાં વધુ એક કાયદાકીય મુદ્દો ઉકેલવાનો બાકી છે. પરંતુ તે ગોપનીય છે તેથી અમે તે અંગે માહિતી જાહેર નહીં કરી શકીએ.
નોંધનીય છે કે ભારતે બે અઠવાડિયા અગાઉ જ આ મામલાની જાણકારી આપી હતી કે નવી દિલ્હી તરફથી બ્રિટેનને ભાગેડુ માલ્યાના પ્રત્યાર્પણ માટે અપીલ કરવામાં આવી હતી કે દારૂના બિઝનેસમેન પોતાના તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી ચૂક્યા છે.
ભારત સરકારના જણાવ્યા અનુસાર નવી દિલ્હી માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટન સરકાર સાથે સતત સંપર્ક કરી રહ્યા છે. ૨૧ મેના રોજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ભારત સરકાર તેમની પ્રત્યાર્પણની પ્રક્રિયાના નવા તબક્કા માટે બ્રિટેનની સાથે સંપર્ક કરી રહી છે.
નોંધનીય છે કે દેશમાંથી કરોડો રૂપિયાનું દેવું કરીને દેશમાંથી ભાગી જનાર વિજય માલ્યા માર્ચ ૨૦૧૬થી બ્રિટનમાં છે. સ્કોરન્ટલેન્ડ યાર્ડે ૧૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેના વિરુદ્ધ પ્રત્યાર્પણનું વોરન્ટ જાહેર કર્યું હતું અને ત્યારથી આ કેસમાં તેને સતત જામીન મળી રહ્યા છે.
બુધવારના રોજ મીડિયામાં એવી ખબર વહેતી થઈ હતી કે ભાગેડુ વિજય માલ્યાને બુધવારે રાત્રે મુંબઈ ખાતે લાવવામાં આવશે. જોકે, બાદમાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે આ સમાચારોને ફગાવી દીધા હતા.