મોદીએ ઓસ્ટ્રેલિયના પીએમ સાથે પ્રથમ વખત દ્વીપક્ષીય ઓનલાઈન સમિટ યોજી
સ્કોટ મોરિસનને સપરિવાર ભારત આવવા પીએમનું આમંત્રણ, મોરિસને કહ્યું- ભારત આવીને ખીચડીનો સ્વાદ જરૂર માણીશ
ન્યુ દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયના પીએમ સ્ટોક મોરિસન વચ્ચે ગુરુવારે સૌપ્રથમ ઓનલાઈન દ્વીપક્ષીય સમિટ યોજાઈ હતી. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું છે. આ સાથે જ બન્ને દેશો વચ્ચે વેપાર સંબંધોને વધારવા પર ભાર આપવામાં આવ્યો હતો. મોદીએ જણાવ્યું કે વિતેલા વર્ષોમાં ભારત તેમજ ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ઘણા મજબૂત થયા છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, ’વૈશ્વિક મહામારીના આ સમયમાં આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની રહેશે. સમગ્ર વિશ્વએ આ મહામારીના આર્થિક તેમજ સામાજિક દુષ્પ્રભાવથી વહેલી તકે ઉભરવા માટે એક સંયુક્ત તેમજ સહયોગી અભિગમ અપનાવવાની આવશ્યક્તા છે.’ વડાપ્રધાન મોદીએ ઓનલાઈન સમિટમાં જણાવ્યું કે અમારી સરકારે કોરોના સંકટને એક અવસર તરીકે જોવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં લગભગ તમામ ક્ષેત્રોમાં વ્યાપક રિફોર્મની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વહેલી તકે જમીની સ્તરે પણ આના પરિણામ જોવા મળશે.
આ સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસને જણાવ્યું કે, ’હું તમારો (પીએમ મોદી) ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર જી-૨૦ અને ઈન્ડો-પેસિફિસમાં સ્થિર, રચનાત્મક અને ઘણી સકારાત્મક ભૂમિકા ભજવવા બદલ આભાર વ્યક્ત કરું છું. તમે આ ભૂમિકા ઘણા કપરા સમયમાં નિભાવી છે.’
ભારત એક ટેક્નોલોજી લીડર દેશ છે અને ભારત સાથેના ઓસ્ટ્રેલિયાના સંબંધો ખુબજ મહત્વના છે. ભારત અને ઓસ્ટ્રેલિયા ફક્ત દ્વીપક્ષીય સંબંધો જ નહીં પરંતુ બહુપક્ષીય સંબંધોને પણ મજબૂત કરવામાં માને છે અને એટલા માટે જ જાપાન, મલેશિયા તેમજ યુએસ સાથે વધુ ભાગીદારી વધારવા તરફ જુએ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વેપાર, શિક્ષણ, ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રે ભાગીદારી ધરાવે છે અને આગામી સમયમાં સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવાશે. પીએમ મોદીના આમંત્રણ પર હું ભારત જરૂર આવીશ અને ભારતીય ખીચડીનો સ્વાદ માણીશ તેમ સ્કોટ મોરિસને જણાવ્યું હતું.