ગાંધીનગર : છેલ્લા બે દિવસથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ થી ૮ માં માસ પ્રમોશન આપવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ સમાચાર અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, માસ પ્રમોશન આપવા બાબતે કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી. તેથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે. ધોરણ ૧ થી આ૮માં માસ પ્રમોશન અંગે હાલ કોઇ વિચારણા નથી. ત્યારે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર કહી શકાય.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા ઉઠી હતી. ૭ મહિનાથી સ્કૂલો બંધ છે, ત્યારે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપવું કે નહિ તે અંગે સરકારની વિચારણા ચાલી રહી છે તેવી વાતો વહેતી થઈ હતી. પરીક્ષા વગર ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને લઈ જવા કે નહિ તે અંગે હાલ સરકાર વિચાર કરી રહી છે તેવું વાતો ફરતી થઈ હતી. તો બીજી તરફ, વાલીઓ પણ માસ પ્રમોશનની તરફેણ કરી રહ્યાં છે, જેથી શાળા ફી ભરવામાં રાહત મળી શકે.
વાલી એસોસિયેશનના પ્રમખુ કમલ રાવલ જણાવે છે કે, સરકાર માસ પ્રમોશન આપશે તો સૌથી મોટી રાહત વાલીઓને થશે. બધાને જ રાહત મળશે. માસ પ્રમોશન આવે તો ફીની સમસ્યા પણ ઉકેલાઈ શકે છે. માસ પ્રમોશનમાં ફીમા પણ રાહત મળી શકે છે. કોરોના હજી ગયો નથી, આવી પરિસ્થિતિમાં સ્કૂલો ખૂલવાની નથી. તેથી આ નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ. આમાં રાહ જોવાની સ્થિતિ નથી. કોરોનામાં શાળાઓ ખૂલી નથી. ૪ મહિના થયા છે, તેમાં ૧૨ મહિના પણ નીકળી શકે છે. કોરોના કેસમા કેવી રીતે સ્કૂલે મોકલવા. અને ઓનલાઈન શિક્ષણ પણ યોગ્ય રીતે મળી રહ્યું નથી. નેટવર્કના ઈશ્યૂ થઈ રહ્યાં છે. છોકરાઓને ૧૫-૨૦ દિવસ સુધી અભ્યાસનો મેઈલ મોકલાયો નથી. તેથી માસ પ્રમોશનનો ઉકેલ યોગ્ય છે.