ગાંધીનગર : નોકરીઓ ખુબ જ ઓછા લોકોને મળી છે. તેવામાં આજે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે, ગુજરાતમાં ૭૧ આઈએએસ, ૫૦ આઈપીએસની જગ્યાઓ ખાલી છે. ૨૩ આઈએએસ, ૨૦ આઈપીએસ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. સચિવાલયમાં ઉપસચિવ વર્ગ – ૧ની ૯૩ જગ્યા ખાલી છે. સેક્શન અધિકારી વર્ગ – ૨ની ૧૦૭ જગ્યા ખાલી છે. વહીવટી અનુકુળતાએ જગ્યા ભરાશે તેવું સરકારે જણાવ્યું છે. રાજ્ય પોલીસ દળમાં બે વર્ષમાં ૧૧૦૦૦થી વધુની ભરતી કરી છે. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના પ્રશ્નના લેખિત જવાબમાં સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૭૧ આઈએએસ અધિકારીઓની ખાલી જગ્યા હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યમાં ૩૧૩ આઈએએસ અધિકારીઓની કુલ જગ્યાઓ મંજૂર થયેલી છે તેમાંથી ૭૧ જગ્યા ખાલી પડી છે.
૨૩ આઇએસ અધિકારીઓ દિલ્હીમાં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા છે. આ ઉપરાંત વહીવટી વિભાગે જણાવ્યું કે સચિવાલયમાં ઉપસચિવ વર્ગ ૧ની ૯૩ જગ્યો ખાલી છે. કુલ જગ્યાના ૫૦% જગ્યાઓ ખાલી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. કુલ ૧૮૬ જગ્યાઓ પૈકી માત્ર ૯૩ જગ્યો ભરાયેલ છે. સેક્શન અધિકારી વર્ગ ૨ ના મંજુર મહેકમના ૧૦૭ જગ્યાઓ ખાલી છે. કુલ ૫૩૫ જગ્યાઓના મહેકમ સામે ૧૦૭ જગ્યાઓ ખાલી છે. વહીવટી અનુકુળતાએ જગ્યાઓ ભરવા સરકારનો જવાબ છે. કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાના પ્રશ્નમા સરકારનો લેખિતમાં જવાબમાં રાજ્યમાં હજુ પણ ૫૦ આઈપીએસની ઘટ છે. હયાત અધિકારીઓ પૈકી ૨૦ અધિકારીઓ દિલ્હીમાં ડેપ્યુટેશન પર છે. રાજ્યમા કુલ ૨૦૮ આઈપીએસ અધિકારીઓનુ મહેકમ છે.
હાલ ૧૫૮ જગ્યાઓ ભરાયેલ છે. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના સવાલમા સરકારનો જવાબ હતો કે રાજ્યમાં પોલીસ દળમાં છેલ્લા બે વર્ષમાં સીધી ભરતીમાં ૧૧૦૦૦થી વધુ કર્મચારીઓ અધિકારીઓની સીધી ભરતી કરી છે. બિનહથિયાર નાયબ પોલીસ અધિક્ષકમાં ૪ની ભરતી કરી છે. બિન હથિયાર પોલીસ ઇન્સ્પેકટરમાં ૧૨૨ની ભરતી કરી છે. બિનહથિયાર પોલીસ કોન્સ્ટેબલમાં ૩૯૮૦ની ભરતી કરી છે. હથિયારી પોલીસ કોન્સ્ટબલમાં ૭૫૪૬ની ભરતી કરી છે.