ચેન્નાઇ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ શ્રેણીનું પરિણામ નક્કી કરશે કે કઈ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચશે. ન્યુઝીલેન્ડની ટીમ પહેલાજ ફાઈનલમાં સ્થાન બનાવી ચુકી છે, હવે બીજી ટીમની રેસમાં ભારત-ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સ્પર્ધા છે. ભારતીય ટીમને ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની સારી તક છે, પરંતુ તેમને ઇંગ્લેન્ડથી ઓછામાં ઓછી ૨ ટેસ્ટ મેચ જીતવી પડશે અને તેણે શ્રેણીમાં ઈંગ્લેન્ડને હરાવવી પડશે. પરંતુ ચેન્નાઇ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ એક એવી ભૂલ કરી છે કે તેને ખૂબ ભારે પડી શકે છે.
વિઝડનના અહેવાલ મુજબ, ભારતીય ટીમે ચેન્નઈ ટેસ્ટના ચોથા દિવસે ખૂબ જ ધીમી ગતીથી ઓવર ફેંકી હતી. આને કારણે તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પોઇન્ટ્સ કટ થઈ શકે છે. બસ એજ રીતે જેવુ ઓસ્ટ્રેલિયા સાથે બન્યું હતું. ટિમ પેનની ટીમે પણ આ જ ભૂલ કરી હતી અને તેમના પોઇન્ટ્સ કટ થઈ ગયા હતા, જેના કારણે ન્યુઝીલેન્ડના પોઇન્ટ્સ તેના કરતા વધી ગયા. ભારતીય ટીમે ચેન્નઈ ટેસ્ટમાં ટી વિરામ બાદ ૯૦ મિનિટમાં માત્ર ૧૯.૩ ઓવર ફેંકી હતી. આઇસીસીના નિયમો અનુસાર ટીમે એક કલાકમાં ૧૫ ઓવર ફેંકી દેવાની હોય છે અને ભારતનો ઓવર રેટ આના કરતા ઘણો ઓછો હતો.
ચેન્નાઈ ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું સંપૂર્ણ ધ્યાન ઇંગ્લેન્ડને વધુને વધુ બેટિંગ કરવવા તરફ કેન્દ્રિત હતું અને તેથી જ તેનો ઓવર રેટ ખૂબ ધીમો રહ્યો. પરંતુ વિરાટ કોહલીની આ રણનીતિ આગળ જતા ટીમ ઈન્ડિયાને ભારે પડી શકે છે.
જો ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવું હોય તો તેણે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨ મેચ જીતવી પડશે. જો ભારતીય ટીમ ૧-૦થી પણ જીતે છે તો તે ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. જો ભારત શ્રેણી ૨-૧થી જીતે છે, ફાઈનલમાં પહોંચશે. બીજી તરફ જો ઇંગ્લેંડ શ્રેણી ૧-૦, ૨-૦ અથવા ૨-૧થી જીતશે તો ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી શકે છે. તેથી ઇંગ્લેન્ડે ફાઈનલમાં પહોંચવા માટે શ્રેણી ૩-૧, ૩-૧ અથવા ૪-૦થી સિરીઝ જીતવી પડશે.