વલસાડ : રાજ્યસભાની આગામી તા.૧૯મી જુનએ યોજાનારી ચૂંટણી અગાઉ દ.ગુજરાતમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના ૬ પૈકી કપરાડાના કોંગી ધારાસભ્ય જીતુ ચૌધરી તથા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલએ રાજીનામું આપી દેતા, બાકીના ૪ ધારાસભ્યોને સાચવવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડના કોંગી અગ્રણી ગૌરવભાઇ પંડયાને જવાબદારી સોંપી હતી. જે અંતર્ગત વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, વ્યારાના ધારાસભ્ય પૂનાજી ગામિત તથા ઉચ્છલના ધારાસભ્ય સુનિલ ગામિતને વલસાડના વશીયર ખાતે આવેલ શાંતિવન રિસોર્ટમાં રાખવાનું નક્કી કરાયુ. જે પૈકી અનંત પટેલ અને આનંદ ચૌધરી આજે વલસાડ આવી ગયાં છે. જ્યારે પૂનાજી ગામિત અને સુનિલ ગામિત સોમવારે મોડીરાત સુધીમાં અથવા મંગળવારે સવારે વલસાડ આવી જશે તેમ કોંગી સૂત્રએ જણાવ્યું છે.
કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીના રાજીનામાથી કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. તેઓ રાજીનામુ આપે તેવા કોઇ આસાર જણાતા નહતાં. ખાસ કરીને ગૌરવ પંડયાના અત્યંત નજીક હોવાથી તેમને પૂછયા વગર કોઇ પગલું ન ભરશે તેવો પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીને ગળા સુધી ખાતરી હતી. પરંતુ અણીના સમયે જીતુ ચૌધરી સહિત કોંગ્રેસના ૩ ધારાસભ્યોએ ગુલાંટ મારતા, રાજ્યસભાની ૪માંથી ૩ બેઠકો ભાજપને ફળે જશે તે લગભગ નિશ્ચિત થઇ ગયું છે. ત્યાં બીજી તરફ્, કોંગ્રેસના ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીમાંથી કોને રાજ્યસભામાં એન્ટ્રી મળશે તેને લઇને હવે કોંગ્રેસમાં ધમાસાણ ચાલુ થઇ ગયું છે. ત્યારે વલસાડમાં ગોઠવી દેવાયેલા ૪ ધારાસભ્યો કોંગ્રેસના બેમાંથી કયાં ઉમેદવારની તરફેણમાં છે તેને લઇને અનેક તર્ક-વિતર્કો વહેતા થયાં છે.