મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે રાજ્ય માટે વધારાનો મેડિકલ ઓક્સિજનનો સ્ટોક, પૂરતા પ્રમાણમાં વેક્સિન અને કોરોનાના વધતા દર્દીઓની સારવાર માટે રેમડેસિવિરની આયાત કરવાની પરવાનગી માગી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ઓનલાઇન બેઠકમાં ઓક્સિજનનો પુરવઠો વિમાન દ્વારા પૂરો પાડવાની માગણી પણ મુખ્ય પ્રધાને કરી હતી.
કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે મહારાષ્ટ્રને પ્રતિદિન ૧,૫૫૦ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની જરૂર પડે છે અને અંદાજે ૩૦૦થી ૩૫૦ મેટ્રિક ટન ઓક્સિજન અન્ય રાજ્યમાંથી મેળવવામાં આવે છે. દૂરના રાજ્યો કરતા પાડોશી રાજ્યમાંથી આ સુવિધા મળે તો ઝડપથી ઓક્સિજન મળી શકશે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યમાં ૬૦,૦૦૦થી વધુ કોરોનાના દર્દીઓ ઓક્સિજન પર છે, જ્યારે ૭૬,૩૦૦ ઓક્સિજન બેડ છે અને વધુ ૨૫,૦૦૦ ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વધારાનો ૨૫૦થી ૩૦૦ મેટ્રિક ટન ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવો જોઇએ, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
રેમડેસિવિરની અછત વિશે પૂછતા તેમણે કહ્યું હતું કે આ ઇન્જેકશન કેટલું સક્રીય છે તે ખબર નથી, પરંતુ તેને કારણે દર્દીઓનો હોસ્પિટલમાં રહેવાનો સમય ઘટી જાય છે. કોરોનાના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યને રેમડેસિવિરનો સ્ટોક પૂરો પાડવો જોઇએ. મહારાષ્ટ્રને રોજના ૭૦,૦૦૦ રેમડેસિવિરના ઇન્જેકશનની જરૂર છે, પરંતુ ફક્ત ૨૭,૦૦૦ જ મળે છે.
મહારાષ્ટ્રમાં ૧૮થી ૪૪ વર્ષના ૫.૧૭ કરોડ લોકો છે. અમને વેક્સિનના ૧૨ કરોડ ડોઝની જરૂર છે, એમ તેમણે વડા પ્રધાનને કહ્યું હોવાનું જણાવ્યું હતું.