ન્યુ દિલ્હી : આઈપીએલની ૧૩મી સિઝન શરૂ થાય તે પહેલાં જ ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સને મોટો ફટકો પડયો છે. સીએસકે ટીમનો એક ખેલાડી પોઝિટિવ આવ્યો છે. પૂરી ટીમ ૨૮મી ઓગસ્ટથી દુબઇ સરકારના પ્રોટોકોલ મુજબ એક સપ્તાહનો ક્વોરન્ટાઇન પિરિયડ પૂરો કરીને પ્રેક્ટિસનો પ્રારંભ કરવાની હતી પરંતુ હવે તેને વધુ એક સપ્તાહ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. આ દરમિયાન અચાનક સમાચાર આવ્યા છે કે બેટ્સમેન સુરેશ રૈના સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) થી પાછો ફર્યો છે. તે વ્યક્તિગત કારણોસર પરત ફર્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સએ ટ્વીટ કર્યું છે કે સુરેશ રૈના અંગત કારણોસર ભારત પરત આવ્યો છે અને આઈપીએલ -૨૦૨૦ મા રમશે નહીં. ૧૫ ઓગસ્ટના રોજ ૩૩ વર્ષીય સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. આ પછી તે આઈપીએલના સંક્ષિપ્ત પ્રેક્ટિસ કેમ્પમાં પણ જોડાયો. તે ટીમ સાથે દુબઇ જવા રવાના થયો હતો, જ્યાં સીએસકેની ટીમ ‘તાજ’માં રોકાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ટીમ ઇન્ડિયાના હાલના બોલર સહિત ટીમના ઘણા સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
સમાચાર મુજબ તે બોલર દીપક ચહર હોય તેવુ માનવામાં આવી રહ્યુ છે. દિગ્ગજ કોમેન્ટેટર હર્ષ ભોગલેએ લખ્યું છે કે રૈનાની વાપસી ચેન્નાઈ માટે મોટો આંચકો છે. તેમણે એક ટિ્વટમાં કહ્યું, સુરેશ રૈના માટે દિલમાં દર્દ થાય છે. મને ખબર નથી કે ક્યા કારણે ખેલાડી પાછો આવ્યો. થોડા સમય પહેલા રૈના સાથે વાત થઈ ત્યારે તે મેચ રમવા ખુબજ ઉત્સુક હતો. આ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ મોટો ફટકો છે. રૈના અને સીએસકે એકબીજા સાથે ગુંથાયેલા છે.