મુંબઇ : લોકડાઉનને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર થયા ત્યારે બૉલીવૂડ સિતારાઓને પોતાના પરિવાર સાથે સમય વિતાવવાની તક મળી ગઇ. કલાકાર પોતાના પરિવાર સાથે વિતાવી રહેલી પળોને સોશિયલ મીડિયાના વિવિધ પ્લૅટફોર્મ પર શેર કરી રહ્યા છે અને વાયરલ પણ થઇ રહ્યા છે. એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂતનો. વીડિયોમાં બંને તેમના બાળકો સાથે ભગવાનની ભક્તિમાં લીન હોય એવું લાગી રહ્યું છે. તેઓ બાળકોને આધ્યાત્મિક સંસ્કાર આપી રહ્યા છે એ જાણીને તેના ચાહકોને પણ ખુશી થઇ રહી છે. પંજાબની એક વ્યાસપીઠમાં યોજાયેલા સત્સંગનો આ વીડિયો છે. શાહિદ અને મીરા તેમની સંતાન મીશા અને ઝૈન સાથે પંજાબમાં લોકડાઉનનો સમય વીતાવી રહ્યા છે. શાહિદ તેના પરિવાર સાથે પંજાબ ગયો હતો ત્યારબાદ કોરોના વાઇરસના વધતા પ્રસારને પગલે સરકારે લોકડાઉનની જાહેરાત કરી હોવાથી શાહિદને પંજાબ રોકાવું પડ્યું હતું. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ અહીં જ રોકાશે. ફિલ્મોની વાત કરીએ તો શાહિદ કપૂર ‘જર્સી’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો, પરંતુ લોકડાઉનને કારણે તેનું શૂટિંગ અટકી ગયું હતું. આ ફિલ્મ એક તેલુગુ ફિલ્મની રિમેક છે.