Charotar Sandesh
ઈન્ડિયા

શું અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધારી શકાય? : સુપ્રિમનો રાજ્યોને સલાલ…

  • મરાઠા અનામત મામલે સુપ્રિમમાં સુનાવણી, તમામ રાજ્યોને નોટિસ જાહેર કરી…
  • મરાઠા અનામત પર સુનાવણી ૧૫ માર્ચ સુધી ટળી, અનામત મુદ્દે દરેક રાજ્યોને સાંભળવા જરૂરી,મરાઠા અનામત સાથે જોડાયેલા પાંચ જજની બેન્ચ ૧૮ માર્ચ સુધી સતત સુનાવણી કરશે…

ન્યુ દિલ્હી : શિક્ષણ અને નોકરીઓમાં મરાઠા સમુદાયને અનામત આપવા સંબંધિત મહારાષ્ટ્રના ૨૦૧૮ના કાયદાને લઈ દાખલ અરજી પર સોમવારથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અનામતના મામલા પર તમામ રાજ્યોને સાંભળવા આવશ્યક છે. એવામાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને નોટિસ જાહેર કરી છે અને પૂછ્યું છે કે શું અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધારી શકાય છે? મરાઠા અનામત પર આ સુનાવણીને ૧૫ માર્ચ સુધી ટાળવામાં આવી છે.
ગયા વર્ષે ૯ ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ૨૦૧૮ના કાયદા સાથે જોડાયેલા મુદ્દાઓ પર ત્વરિત સુનાવણી કરવી જરૂરી છે કારણ કે કાયદો સ્થગિત છે અને લોકો સુધી તેનો ફાયદો પહોંચી નથી રહ્યો. નોંધનીય છે કે નોકરીઓ અને એડમિશનમાં મરાઠા સમુદાયના લોકોને અનામત આપવા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (એસઇબીસી) કાયદો ૨૦૧૮ને લાગુ કરવામાં આવ્યો હતો.
સોમવારે મામલાની સુનાવણી દરમિયાન વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે આ મામલામાં આર્ટિકલ 342Aની વ્યાખ્યા પણ સામેલ છે. એવામાં આ તમામ રાજ્યોને પ્રભાવિત કરી શકાય છે. તેથી એક અરજી દાખલ થઈ છે. તેમાં કોર્ટને તમામ રાજ્યોને સાંભળવા જોઈએ. મુકુલ રોહતગીએ કહ્યું કે તમામ રાજ્યોને સાંભળ્યા વગર આ મામલા પર નિર્ણય ન લઈ શકાય.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આ મામલાની સુનાવણી કરી રહી છે. આ બેન્ચમાં જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ. અબ્દુલ નજીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ પણ છે. આ પહેલાની સુનાવણીમાં બેન્ચે કહ્યું હતું કે તેઓ આ મુદ્દા ઉપર પણ દલીલો સાંભળશે કે ઈન્દિરા સાહની મામલામાં ઐતિહાસિક નિર્ણય જેને ‘મંડલ ફૈસલા’ નામથી ઓળખવામાં આવે છે તેની પર પુનઃ વિચાર કરવાની આવશ્યક્તા છે કે નહીં.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની વાત લાંબા સમયથી ચાલી રહી છે. વર્ષ ૨૦૧૮માં રાજ્ય સરકારને શિક્ષણ-નોકરીમાં ૧૬ ટકા અનામત આપવાનો કાયદો બનાવવામાં આવ્યો છે. જોકે હાઈકોર્ટે તેમના એક આદેશમાં તેની સીમા ઘટાડી દીધી હતી.
પરંતુ જ્યારે કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંઘ લગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસ એક મોટી બેન્ચને સોંપી દીધો છે અને અલગ રીતે તેની સુનાવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Related posts

આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે પોસ્ટ ઓફિસે ૧૦ દિવસમાં ૧ કરોડ રાષ્ટ્ર ધ્વજ વેચ્યા

Charotar Sandesh

પ્રેમિકાની સાથે સહમતિથી જાતીય સંબંધ બનાવવો અપરાધ નહી : દિલ્હી હાઈકોર્ટ

Charotar Sandesh

તેલ કા ખેલ : પેટ્રોલ મુંબઇમાં ૯૧, ગુજરાતમાં ૮૨ના રેકોર્ડ સ્તરે…

Charotar Sandesh