જનહિત અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ
નવી દિલ્હી : કોરોનાની સારવારના ખર્ચ મામલે એક વાર ફરી સુપ્રીમ કોર્ટમાં ગૂંજયો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે ખાનગી અને સેવાભાવી હોસ્પિટલોમાં કોરોનાનો મફત ઇલાજ કરવા માટે કેમ કહેવામાં આવતું નથી. જેને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમને જણાવ્યું હતું કે અમારી પાસે કાયદાકીય શક્તિ નથી. જો કે સુપ્રીમે ટકોર કરતાં કહ્યું છે કે શું આયુષ્યમાન ભારત યોજના હેઠળ આ ઇલાજ થઇ શકતો નથી? સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એક વાર ફરી આ મામલાને લઇને દાખલ કરાયેલ જનહિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. કોર્ટમાં હોસ્પિટલ એસોસિયેશન તરફથી હરીશ સાલ્વેએ કહ્યું કે આયુષ્માન ભારત યોજના માત્ર ચિન્હિત લાભાર્થીઓ માટે છે.
અમે પહેલાંથી જ સસ્તી કિંમતે ઇલાજ કરી રહ્યાં છે. અરજીકર્તા તરફથી સચિન જૈનએ કહ્યું કે ભારત સરકારને નાગરિકો સાથે ઉભા રહેવું જોઇએ ન કે કોર્પોરેટ હોસ્પિટલની સાથે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ સંકટમાં આપણે ખાનગી ક્ષેત્રને એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે સામેલ કરવો જોઇએ. કોરોના ઇલાજ માટે આયુષ્માન ભારતમાં એક નિર્ધારિત પેકજ ઉપલબ્ધ છે, જેમાં દૈનિક બિલ ૪,૦૦૦ રૂપિયા છે. ચીફ જસ્ટિસ ઓફ ઇંડિયા એસએ બોબડેએ કહ્યું કે શું તમે ઇચ્છો છો કે કોઇ હોસ્પિટલે હાલ નફો ન કમાવો જોઇએ. જેના પર અરજીકર્તાએ કહ્યું કે હું તમને બતાવી શકું છું કે આયુષ્માન ભારત યોજનાને હોસ્પિટલોના લાભને ધ્યાનમાં રાખીને કેવી રીતે નક્કી કરવામાં આવ્યું છે. CJI એસએ બોબડેએ કહ્યું કે આયુષ્માન ભારત યોજના વ્યક્તિઓ માટે લાગુ છે? જેના પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ સરકાર દ્વારા લાભાર્થિયોની ચિન્હિત શ્રેણીઓની સાથે તૈયાર કરેલી યોજના છે. તે લોકો જે ઇલાજનો ખર્ચ ઉઠાવી શકતા નથી,
તેઓ આ યોજનાથી કવર છે. અમે અમારા સોંગદનામામાં જણાવ્યું છે કે આયુષ્યમાન ભારત યોજના કેવી રીતે કામ કરે છે. હરીશ સાલ્વેએ કહ્યું કે દેશમાં સ્થિતિ ખરાબ છે બીજી બિમારીઓ માટે હોસ્પિટલોમાં કોઇ જગ્યા નથી. મહેસૂલમાં ૬૦ ટકાનો ઘટાડો થયો છે. જો કે CJI એસએ બોબડેએ કહ્યું કે અમે એ જાણવા ઇચ્છીએ છીએ કે શું હોસ્પિટલ આયુષમાનની કિંમત પર ઇલાજ કરવા માટે તૈયાર છે. હરીશ સાલ્વેએ કહ્યું કે અમે જનહિત અરજી અને કેન્દ્રના સોંગદનામા પર પોતાનો જવાબ દાખલ કરવા ઇચ્છીએ છીએ. જો કે હવે આ મામલાની સુનાવણી બે અઠવાડિયા બાદ કરવામાં આવશે.