બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યાં…
વેરાવળ : આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. બમ બમ ભોલેના નાદથી સૌરાષ્ટ્રભરના શિવાલયો ગુંજી ઉઠ્યાં છે. ત્યારે આજે સોમનાથ મહાદેવને પુષ્પો અને બિલિપત્રનો અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીના કારણે આજે સોમનાથ મંદિરમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. મહત્વનું છે કે શ્રાવણ માસના દર સોમવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવતા હોય છે, પણ કોરોનાને લઈને આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ઘટાડો થયો છે. શ્રાવણ મહિનામાં પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ છે.
શ્રાવણ મહિનાના દરેક સોમવારે હજારો ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરે છે. ત્યારે આ વખતે કોરોનાના કારણે શ્રાવણ મહિનામાં પણ ભક્તો આવી નથી રહ્યાં. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ પાસ વગર કોઈ પણ શિવ ભક્તોને પ્રવેશ મળશે નહીં. જેથી ઓનલાઈન અને ઓફલાઈન પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. જો કે આજે પણ સોમનાથ મહાદેવનાં મંદિરમાં આરતી સમયે લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.