બ્રિટનના પ્રોફેસર એંગસ ડલ્ગલિશ અને નોર્વેના વૈજ્ઞાનિક ડો.બિર્ગરનો મોટો દાવો
ચીની વૈજ્ઞાનિકોએ વાયરસને તૈયાર કર્યા બાદ તેને રિવર્સ એન્જિનિયરિંગ ટેકનિકની મદદથી બદલવાની કોશિશ કરી જેથી લાગે વાયરસ ચામાચિડિયામાંથી ડેવલપ થયો છે
લંડન : ચીનના વુહાનથી આખી દુનિયામાં ફેલાયેલા અને ભારત જેવા દેશોમાં તબાહી સર્જનાર કોરોના વાયરસ ચીનના વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીની લેબોરેટરીમાં જ તૈયાર થયો હોવાનો સનસનીખેજ દાવો બે વૈજ્ઞાનિકોએ કર્યો છે.
આ વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં કહ્યુ છે કે, ચીનના વૈજ્ઞાનિકોએ આ વાયરસને તૈયાર કર્યા બાદ તેને રિવર્સ એન્જિનિયરિંગ ટેકનિકની મદદથી બદલવાની કોશિશ કરી હતી. જેથી એવુ લાગે કે વાયરસ ચામાચિડિયામાંથી ડેવલપ થયો છે.
દુનિયાભરમાં ફરી એક વખત આ વાયરસને લઈને ચીન ચર્ચામાં છે અને અમેરિકા તથા બ્રિટન આ મામલાની તપાસ માટે દબાણ વધારી રહ્યા છે ત્યારે એક બ્રિટિશ અખબારના અહેવાલ પ્રમાણે બ્રિટનના પ્રોફેસર એંગસ ડલ્ગલિશ તેમજ નોર્વેના વૈજ્ઞાનિક ડો.બિર્ગર સોરેનસને દાવો કર્યો છે કે, અમારી પાસે એક વર્ષ કરતા વધારે સમયથી ચીનમાં વાયરસ પર થયેલા રિવર્સ એન્જિનિયરિંગના પૂરાવા છે.
પ્રોફેસર ડલ્ગલિશ લંડનમાં સેંટ જ્યોર્જ યુનિવર્સિટીના કેન્સર સાયન્સના પ્રોફેસર છે અને ડો.સોરેનસ એક વાયરોલિસ્ટ તથા કોરોના વેક્સિન તૈયાર કરતી એક કંપનીના અધ્યક્ષ છે. આ બંને વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, વુહાન લેબમાં જાણી જોઈને ડેટાનો નાશ કરાયો હતો. જે વૈજ્ઞાનિકોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો તેમને ચીને કાં તો ચૂપ કરી દીધા હતા અથવા તો તેમને ગાયબ કરી દેવાયા હતા.
પ્રોફેસર ડલ્ગલિશ અને ડો.સોરેનસનુ કહેવુ છે કે, વેક્સીન બનાવવા માટે અમે કોરોના સેમ્પલનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે વાયરસ પર એક ખાસ પ્રકારની ફિંગર પ્રિન્ટ નજરે પડી હતી.આ વસ્તુ લેબોરેટરીમાં વાયરસ સાથે છેડછાય ત્યારે જ સંભવ છે. અમારા આ સંશોધનને પ્રકાશિત કરવાનો કેટલીક નામાંકિત જર્નલોએ ઈનકાર કરી દીધો હતો.
કોરોના વાયરસ માનવ સર્જિત છે કે પછી ચામાચિડિયામાંથી આવ્યો છે તેની ચર્ચા છેલ્લા એક વર્ષથી દુનિયામાં થઈ રહી છે. અમેરિકન પ્રમુખ જો બાઈડને તો અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓને આ બાબતની જાણકારી મેળવવા માટે પણ આદેશ આપી દીધો છે.