અમદાવાદ : ગુજરાત સરકારે પણ પ્લાઝમા અમદાવાદ સિવિલમાં પ્લાઝમા બેન્ક બનાવી છે. સરકારનો દાવો છે કે તેણે દેશભરમાં સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ બેન્કમાં અત્યાર સુધીમાં ૩૦ કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે.
કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ કે જેઓને તાવ અને કફ જેવા કોવિડના લક્ષણો, આરટી-પીસીઆરથી કોવિડનો પોઝિટીવ રીપોર્ટ હોય તેવા દર્દીઓ જ્યારે રોગમુક્ત થયાના ૨૮ દિવસ પછી અથવા ૧૪ દિવસ પછી ૨૪ કલાકના અંતરે કોવિડના બે આરટી-પીસીઆર નેગેટીવ રીપોર્ટ ધરાવતા હોય તેવા સાજા થયેલાં દર્દીઓની ઉંમર ૧૮થી ૬૫ વર્ષ, વજન ૫૦ કિલોથી વધારે તેમજ હિમોગ્લોબિન ૧૨.૦૫ ટકાથી વધારે હોય તેવા ડોનર પાસેથી ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા પ્લાઝમા લેવામાં આવે છે.
કોરોનાની બીમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી કાઢીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. કોવિડના ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયેલા દર્દીઓના પ્લાઝમામાં રોગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા હોય છે. સાજા થયેલાં દર્દીના પ્લાઝમાને “કન્વેર્લિસેન્ટ પ્લાઝમા” કહેવાય છે જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સાજો થવાની શક્યતા વધી જાય છે. આ પ્રકારના દર્દીઓ માટે વિશેષ રીતે પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં આવી છે.