પૂણે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વેક્સિનેશનની શરૂઆત કરાવી. પહેલા તબક્કામાં ૩ કરોડ લોકોને વેક્સિનેટ કરાશે. દુનિયાના ૧૦૦ દેશોની તો આટલી વસતી પણ નથી. તો બીજીબાજુ સીરમના સીઇઓ અદાર પૂનાવાલા, એઈમ્સના ડિરેક્ટર ડો. ગુલેરિયા અને એઈમ્સના સફાઈ કર્મી મનીષ કુમારને વેક્સિન અપાઈ છે. અદર પૂનાવાલાએ કહ્યું કે, આ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે કોવિશીલ્ડ આ ઐતિહાસિક પ્રયાસનો હિસ્સો છે અને તેની સુરક્ષા અસરકારકતાનું સમર્થન કરવા માટે મેં પોતે રસી લીધી છે.
પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાની વેક્સિન વિકસીત કરવા માટે વૈજ્ઞાનિકોએ તનતોડ મહેનત કરી છે. તેમણે કહ્યું કે, આવા જ દિવસ માટે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરે કહ્યું હતું કે, માનવી જ્યારે જોર લગાવે છે તો પથ્થર પાણી બની જાય છે.દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. જેના માટે હું સૌને શુભેચ્છા પાઠવું છું.દેશને સંબોધિત કરતી વખતે મોદી ભાવુક પણ થઈ ગયા.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ભારત એવા દેશોમાંથી એક છે જેને માનવતા વિરુદ્ધ આવેલા સંકટને ખતમ કરવાની દિશામાં વિજય મેળવ્યો છે. ડૉ.મહેશ શર્માને ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર તરીકે વેક્સિન અપાઈ, વેક્સિન લેનાર તેઓ પહેલા સાંસદ બન્યા.