સુરત : આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ અગાઉ આપેલા ધર્મવિરોધી નિવેદનનો મામલો શાંત થવાનું નામ નથી લેતો. ઈટાલિયાનો રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના મોટા વરાછા સુદામા ચોક ખાતે રહેતા ગોપાલ ઈટાલિયાના ઘરે ભાજપ સમર્થિત ચારેક યુવાનોએ પહોંચીને તેમની ગેરહાજરીમાં તેમની માતા સાથે પણ જીભાજોડી કરી હતી, સાથે જ તેમને શ્રીમદ્ ભગવદગીતા આપવાનો પ્રયાસ કરાયો હતો, જેથી ગોપાલ ઈટાલિયાએ પોલીસને જાણ કરવાની સાથે કહ્યું હતું કે પાટીલના માણસોએ મારાં મમ્મી અને બહેન સાથે અભદ્ર વર્તન કર્યું છે. હાલ અમરોલી પોલીસે યુવકોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
ભાજપ-સમર્થકો અમિત આહીર અને વિકાસ આહીર સહિતના યુવકો ’આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે તુલસી રેસિડેન્સીમાં પહોંચ્યા હતા. એપાર્ટમેન્ટના તમામ દરવાજા ખટખટાવીને ઘરમાં રહેલા સભ્યોને પૂછ્યું હતું કે તમને ભગવદગીતા જોઈએ છે. ત્યાર બાદ ચાર યુવક ગોપાલ ઇટાલિયાના ઘરે પહોંચતાં તેમને પૂછ્યું કે ગોપાલ ઇટાલિયા જો ઘરમાં હોય તો તેને બહાર બોલાવો. ત્યારે તેની માતા સાથે દલીલો કરીને અસભ્ય વર્તન કર્યું હતું. જો તમારે એપાર્ટમેન્ટના લોકો પણ ત્યાં એકત્રિત થઇ જતાં ચાર પૈકી બે યુવક ભાગવામાં સફળ થયા હતા. અમિત આહીર અને વિકાસ આહીર ઝડપાયા હતા. તેમણે ગોપાલ ઇટાલિયાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું હતું. એપાર્ટમેન્ટના લોકોએ પણ યુવકની સામે સૂત્રોચ્ચાર કરીને પોલીસને જાણ કરી હતી.
ગોપાલ ઇટાલિયાના ઘરે વિરોધ કરવા ગયેલા યુવકને અમરોલી પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિકાસ આહીર અને અમિત આહીર ભાજપના નેતાઓના ખૂબ નજીકના હોવાનું માનવામાં આવે છે. તેમના ઈશારે જ તેમના ઘરે જઈને વિરોધ કર્યો હોવાની ચર્ચા શહેરમાં શરૂ થઈ છે. ગોપાલ ઇટાલિયાની ગેરહાજરીમાં ધાર્મિક પુસ્તક વેચવાના બહાને વિરોધ કર્યો હતો.