સુરત : ગુજરાત સહિત દેશભરમાં ફરી એકવાર કોરોનાના વધતા કેસ ચિંતાનું કારણ બન્યા છે. આવામાં કોરોના વધતા કેસોને ડામવા માટે રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટી તંત્રો દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. આવામાં શનિવાર અને રવિવારે અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર મૉલ અને થિયેટરો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સુરતમાં પણ વધતા કેસનો ડામવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અહીં ૧૦૦૦ કરતા વધારે શાકભાજી વેચનારાઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં ૨૭ કોરોના પોઝિટિવ આવ્યા છે.
જે પ્રમાણે ગયા વર્ષે કોરોનાની સાંકળ તોડવા માટે ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું હતું તે જ રીતે આ વર્ષે પણ શરુઆત કરી દેવામાં આવી છે જેમાં સુરતમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને શાકભાજી વેચતા લોકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧,૧૨૮ જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૨૭ પોઝિટિવ આવ્યા છે. હવે આ ૨૭ લોકો કેટલા વિસ્તારમાં ફર્યા છે તેની તપાસ કરીને ત્યાં પણ વધુ ટેસ્ટ કરીને કોરોના ફેલાતો અટકાવવાના પ્રયાસો શરુ કરવામાં આવી શકે છે.
સામાન્ય રીતે શાકભાજી વિક્રેતા અને દુકાનદારો એક કરતા વધુ લોકોના સંપર્કમાં આવતા હોય છે તેવામાં તેમના દ્વારા કોરોના ઝડપથી ફેલાવાની સંભાવના રહેલી હોય છે. આવામાં કોરોના સાંકળને તોડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્થાનિક મીડિયા રિપોટ્ર્સ મુજબ સૌથી વધુ ટેસ્ટિંગ ઉધના, અઠવા અને લિંબાયતમાં કરાયું હતું, જેમાં અઠવામાં ૭, ઉધનામાં ૭, વરાછામાં ૬ અને લિંબાયતમાં ૬ વિક્રેતાઓ પોઝિટિવ આવ્યા છે. આ સિવાયના ઝોનમાં પોઝિટિવ આવેલા શાકભાજી વિક્રેતાઓની સંખ્યા ઓછી છે.