લિંબાયત અને કતારગામ ઝોનમાં કેસ વધતા સુરત મનપા દ્વારા નિર્ણય લેવાયો…
સુરત : ગુજરાતમાં કોરોના થમવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે એવામાં મોટા-મોટા શહેરો જેવાં કે અમદાવાદ, સુરત અને વડોદરા જેવાં શહેરોમાં તંત્ર દ્વારા નવા-નવા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ અમદાવાદ મનપાએ ગઇ કાલે સોમવારથી રાત્રીના ૧૦ વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો, વડોદરામાં પણ કોરોનાને કારણે કલમ ૧૪૪ લાગુ છે. જ્યારે હવે સુરત મનપાએ શહેરમાં બહારથી આવતા લોકોને ૭ દિવસ હોમ ક્વૉરન્ટાઇન કરવાનો નિર્ણય કર્યો છે. બહારથી આવતા લોકોનાં ઘરની બહાર સ્ટીકર લગાવાશે.
નોંધનીય છે કે શહેરનાં લિંબાયત અને કતારગામ ઝોનમાં સતત કેસ વધી રહ્યાં છે. શહેરના આ બંને ઝોનમાં અન્ય રાજ્યમાંથી વધુ લોકો આવે છે. જેને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં હાલમાં છેલ્લાં ઘણા દિવસોથી ફરી કોરોના બેકાબુ થઇ રહ્યો છે.
શહેરમાં સતત પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા શહેરમાં બહારથી આવતા લોકો માટે આ સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી છે. બહારથી આવતા તમામ લોકોને ૭ દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઇન થઇને રહેવું પડશે. જે લોકો બહારથી આવશે તેઓના ઘરની બહાર પીળા સ્ટીકર લગાડવામાં આવશે. બહારગામનાં લોકોએ ૭ દિવસ સુધી ક્વૉરન્ટાઇન થઇને રહેવું પડશે.