સુરત : સુરતમાં જૈન સમાજ માટે સૌથી મોટો ઉત્સવ યોજાઈ રહ્યો છે કારણકે સુરતની ધરતી પર ૧૦૦ કરતાં વધુ દીક્ષા થઈ રહી છે ત્યારે ત્રીજા રાઉન્ડમાં એક સાથે ૭૭ લોકો દીક્ષા લેવાના છે. શુક્રવારે તેમની વરસીદાન યાત્રા નીકળી હતી. આ દીક્ષા સમારોહમાં ૧૦ વર્ષથી લઇને ૮૪ વર્ષના લોકો દીક્ષા લેવાના છે ત્યારે ૧૦ કિલો મીટર લાંબી યાત્રા જેમાં બળદ ગાડીમાં દીક્ષાર્થીઓ સવાર થયા હતા અને આખી યાત્રામાં દરેક રાજ્યનું લોક નૃત્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
સુરતમાં હાલમાં જૈન સમાજમાં દીક્ષા મહોત્સવ ચાલી રહ્યો છે. પહેલાં ૭ દીક્ષા બાદમાં ૧૯ દીક્ષા અને હવે એક સાથે ૭૭ દીક્ષા થવા જઈ રહી છે ત્યારે આ દીક્ષા પહેલાં દીક્ષા લેનારા લોકોની વરસીદાન યાત્રા નીકળી હતી. શહેરના આઠવાગેટ વિસ્તારથી શરૂ થયેલી યાત્રા ૧૦ કિલોમીટર લાંબી હતી જેમાં હાથી કે ઘોડા નહીં પણ બદળગાડા તૈયાર કરવામાં આવ્યા હતા.
બળદગાડાની અલગ અલગ બગીમાં આ યાત્રા નીકળી હતી. આ યાત્રા માં ૭૭ દીક્ષાર્થીઓમાં સુરત સહિત, મુંબઇ, અમદાવાદ, પૂના, બેંગલુરુ, ડીસા, કોઇમ્બતુર, બાડમેર વગેરે શહેરો-ગામના દીક્ષાર્થીઓ છે.
સુરતમાં ૧૦ વર્ષથી ૮૪ વર્ષના મુમુક્ષુો દીક્ષામાર્ગે જઇ રહ્યા છે. જેમાં ૨૦ જેટલા બાળમુમુક્ષુઓ છે. ૩૪ જેટલા ૨૦થી ૪૦ વર્ષના છે. જેમાં ચાર પરિવારો ઘરને તાળું મારીને દીક્ષા માર્ગે પ્રયાણ કરશે.